ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના CJI સામે મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દીધો

નવી દિલ્હી– ભારતના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને હટાવવા માટે જોડાયેલા સાત દળોએ મહાભિયોગ પ્રસ્તાવની નોટિશને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વ્યાપક વિચાર વિમર્શ પછી ફગાવી દીધી છે. શુક્રવારે રાજકીય પાર્ટીઓની નોટિસ મળ્યા પછી ઉપરાષ્ટ્રપતિ નાયડુ ચાર દિવસની રજા પર આંધ્રપ્રદેશ ગયા હતા. પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તેઓ દિલ્હી રવિવારે પાછા આવી ગયા હતા. સોમવારે સવારે ઉપરાષ્ટ્રપતિ નાયડુએ આ બાબતે પોતાનો ચુકાદો આપી દીધો છે.કોંગ્રેસના નેતૃત્વમાં સાત દળોએ ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની વિરુધ્ધમાં મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને આપ્યો હતો. જે એક અભુતપૂર્વ પગલું કહી શકાય. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની વિરુધ્ધ કયારે મહાભિયોગનો પ્રસ્તાવ આવ્યો નથી. કાયદાના નિષ્ણાતો આને એક અભુતપૂર્વ પગલું ગણાવી રહ્યા છે. વરિષ્ઠ વકીલ ફાલી નરીમને આને કાળા દિવસ તરીકે વર્ણવ્યો હતો. બંધારણના નિષ્ણાતોની સલાહ સૂચન બાદ ઉપરાષ્ટ્રપિતએ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.