IPSને ધમકી કેસમાં UP પોલીસે મુલાયમ સિંહને આપી ક્લીન ચીટ

લખનઉ- વરિષ્ઠ IPS અધિકારી અમિતાભ ઠાકુરને ધમકી આપવાના મામલામાં ઉત્તરપ્રદેશ પોલીસે સમાજવાદી પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને ફરી એકવાર ક્લિન ચીટ આપી છે.લખનઉ પોલીસે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આનંદ પ્રકાશ સિંહની અદાલતમાં આ મામલે પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. અને કાર્ટને આગ્રહ કર્યો કે, તે ફરિયાદી IPS અધિકારી અમિતાભ ઠાકુર સામે મુલાયમ સિંહ સામે ખોટી ફરિયાદ નોંધાવવા બદલ કાર્યવાહી કરવા માટે આદેશ આપે.

જો અમિતાભ ઠાકુર સામેના આરોપ સાચા હોવાનું જણાશે તો તેમને છ મહિનાની કેદ અને એક હજાર રુપિયાના દંડની સજા થઈ શકે છે. અદાલતે પોલીસના છેલ્લા અહેવાલને ધ્યાને લેતાં કેસની આગામી સુનાવણી માટે 15 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

આ અગાઉ પોલીસ અધિકારી અનિલકુમાર યાદવે કોર્ટમાં તેમનો છેલ્લો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તપાસમાં એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે, મુલાયમ સિંહે IPS અધિકારી ઠાકુરને ધમકાવ્યા હોય.

મહત્વનું છે કે, અમિતાભ ઠાકુરે 10 જુલાઈ 2015ના રોજ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહે તેમને ફોન પર ધમકી આપી હતી.