ઉત્તરપ્રદેશ: બાગપતમાં ક્રેશ થયું વાયુસેનાનું વિમાન, બન્ને પાયલટ સુરક્ષિત

બાગપત- ઉત્તર પ્રદેશના બાગપતમાં આજે સવારે ભારતીય વાયુસેનાના વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જેનું શેરડીના ખેતરમાં કટોકટીની સ્થિતિમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન વિમાન ખેતરમાં પડ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અને બન્ને પાયલટ સુરક્ષિત છે.જોકે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાનનો આગળનો ભાગ દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ આ વિમાન એક ટુ સિટર ML-130 પ્રકારનું પ્લેન હતું. દુર્ઘટના સમયે વિમાનમાં બે પાયલટ હતા. જે સુરક્ષિત છે.

જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે, આખરે પ્લેન ક્રેશ શું કામ થયું? દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજી પણ ત્યાં ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર છે અને પાયલટ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે કે, આખરે વિમાન ક્રેશ કેવી રીતે થયું.

આસપાસના સ્થાનિકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ જણાવ્યું કે, તેમણે વિમાનને હવામાંથી જમીન પર પડતું જોયું હતું. પહેલા તો તેમને લાગ્યું કે, વિમાન કોઈ કલાબાજી કરી રહ્યું છે. પરંતુ અચાનક જ વિમાન નીચે પટકાયું હતું.

મળતી માહિતી મુજબ આ વિમાન એરફોર્સ ડેની તૈયારી કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ વાયુસેનાએ તપાસના આદેશ આપી દીધા છે.