ઉત્તરપ્રદેશ: ત્રિરંગા યાત્રા હિંસામાં એકનું મોત, પોલીસે કર્ફ્યૂ લગાવ્યો

કાસગંજ- ઉત્તરપ્રદેશના કાસગંજમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સરઘસ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કર્ફ્યૂ લગાવ્યો હતો. જોકે બાદમાં કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ સુરક્ષાના કારણોસર 144ની કલમ લાગુ કરવામાં આવી છે.ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની 6 ટીમ પણ કાસગંજમાં ઉતારી દેવામાં આવી છે. જેણે શહેરમાં ફ્લેગમાર્ચ કર્યો હતો. ત્રિરંગા યાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એકબીજા ઉપર પત્થરમારો કરવામાં અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગની ઘટનામાં ગોળી વાગવાથી એક યુવાનનું મોત થયુ હતું. અને તણાવ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે કાસગંજમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. મળતી માહિતી મુજબ બે યુવાનો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર રુપ લીધું હતું અને વાત હિંસા સુધી પહોંચી હતી. સુરક્ષાના ભાગરુપે આજે કાસગંજમાં પ્રાથમિક શાળાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.