ઉત્તરપ્રદેશ બનશે ઈલેક્ટ્રોનિક હબ, IT કંપનીઓ કરશે 41,450 કરોડનું રોકાણ

લખનઉ- વસતીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશને હવે ઈલેક્ટ્રોનિક હબ તરીકે ઓળખ મળવા જઈ રહી છે. મહત્વનું છે કે, હાલમાં જ સંપન્ન થયેલી યુપી ઈન્વેસ્ટર સમિટ-2018માં ઉત્તરપ્રદેશને મળેલા 60 હજાર કરોડ રુપિયાના રોકાણમાંથી 41 હજાર 450 કરોડનું રોકાણ IT સેક્ટરમાં આવ્યું છે.માનવામાં આવે છે કે, ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં IT સેક્ટરમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને IT તેમજ ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજી વિભાગના પ્રધાન ડૉ. દિનેશ શર્માના જણાવ્યા મુજબ આગામી ત્રણ વર્ષમાં રાજ્યના 1.5 લાખ યુવાનોને આ રોકાણ દ્વારા રોજગાર મળવાની શક્યતા છે.

ઉત્તરપ્રદેશના IT સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરનારી કંપનીઓમાં રિલાયન્સ જિઓ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર દસ હજાર કરોડ રુપિયાની પોતાની યોજનાઓ શરુ કરશે. આ ઉપરાંત ત્રણ અન્ય કંપનીઓ ટેન્ગા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ફોસિસ લિમિટેડ અને BSNL પાંચ-પાંચ હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. આ ઉપરાંત વન નાઈન સેવન કમ્યુનિકેશન લિમિટેડ 3500 કરોડનું રોકાણ કરશે અને TCS પણ 2300 કરોડનું રોકાણ કરશે.

જોકે, નોઈડા અને ગ્રેટર નોઈડામાં મહત્તમ રોકાણની અપેક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક કંપનીઓએ લખનઉમાં બનેલી IT સિટી અને રાજ્યના અન્ય શહેરામાં પણ રુચિ દર્શાવી છે. ગત ત્રણ વર્ષમાં દેશમાં 106 કંપનીઓએ રોકાણ કર્યું છે જેમાંથી 47 ઉત્તરપ્રદેશમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય કેટલાંક શહેરોમાં પણ IT હબનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં લખનઉ, મેરઠ અને આગરામાં કામ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં પણ IT પાર્ક બનાવવા માટે પરવાનગી આપવામાં આવી છે.