ઉત્તરપ્રદેશ: રાજ બબ્બરની વિદાય કોંગ્રેસની મજબૂરી નહીં ‘માસ્ટર કાર્ડ’ છે

લખનઉ- ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીના રાજકીય કિલ્લાને તોડવા કોંગ્રેસ પાર્ટીએ તેની પરંપરાગત બ્રાહ્મણ વોટ બેન્ક તરફ પરત ફરવાની યોજના બનાવી લીધી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજ બબ્બરે રાજીનામું આપી દીધું છે. જોકે જાણકારોનું માનવું છે કે, ઉત્તરપ્રદેશમાંથી રાજ બબ્બરની વિદાય એ કોંગ્રેસની મજબૂરી નહીં પણ માસ્ટર કાર્ડ છે. રાજ બબ્બરના સ્થાને પાર્ટીની કમાન કોઈ બ્રાહ્મણ નેતાને સોંપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની જવાબદારી વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ બબ્બરને સોંપવામાં આવી હતી. રાજ બબ્બરે યુપીમાં ઘણી મહેનત પણ કરી હતી. તેમ છતાં કોંગ્રેસની સ્થિતિમાં કોઈ જ સુધાર થયો નહતો. પ્રદેશમાં બદલાઈ રહેલા રાજકીય સમીકરણોમાં રાજ બબ્બર યોગ્ય વ્યક્તિવ્ય તરીકે ફીટ ન થઈ શકતા હોઈ તેમણે રાજીનામું આપવું પડ્યું છે.

જાતીય સમીકરણોમાં ફીટ નહીં

હાલમાં યુપીમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને ઓબીસી સમુદાયનો પણ સહયોગ મેળવવા BJP પ્રયાસ કરી રહી છે. બીજી તરફ પેટા ચૂંટણી બાદ સપા-બસપા ગઠબંધન પણ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યું છે. જેથી કોંગ્રેસ પણ હવે જાતીગત સમીકરણો તરફ આગળ વધી રહ્યું છે અને પરંપરાગત બ્રાહ્મણ વોટ બેન્કને રાજી કરવા પ્રયાસ કરી રહી છે. અને આ જ કારણ છે કે, પ્રદેશ અધ્યક્ષના પદેથી રાજ બબ્બરની બાદબાકી કરવામાં આવી.

રાજ્યમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ બબ્બરને પ્રદેશની કમાન સોંપવામાં આવી હતી. ગત એક વર્ષથી રાજ બબ્બર યુપીમાં કોંગ્રેસ માટે ઘણી મહેનત કરી રહ્યાં હોવા છતાં તેઓ પાર્ટી સંગઠનમાં પ્રાણ પૂરી શક્યાં નહીં. જેથી યુપીમાં કોંગ્રેસની હાલત કફોડી થઈ છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચમત્કાર કરવાની આશા સાથે પ્રદેશમાં નવી તેનાગીરી તરફ પાર્ટી આગળ વધી રહી છે.