UP સરકારની કાર્યવાહી: રદ થઈ શકે 2632 મદરેસાની માન્યતા

લખનઉ- આર્થિક ગોટાળા અટકાવવા અને વહીવટ સુધારવાના ઉદ્દેશ્યથી યુપીમાં યોગી આદિત્યનાથ સરકારે આશરે 2632 મદરેસાઓ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ નક્કી કરેલી તારીખ સુધીમાં વેબસાઈટ ઉપર પોતાની વિગતો અપલોડ નહીં કરનારા મદરેસાઓની માન્યતા રદ કરવામાં આવી શકે છે.

વિગતો અપલોડ કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. આ પહેલા પ્રદેશ સરકારે 46 મદરેસાઓની સરકારી મદદ પર રોક લગાવી હતી. સાશનની તપાસમાં મદરેસાના આર્થિક વહીવટમાં ગોટાળો સામે આવ્યો હતો.

વહીવટમાં પારદર્શિતા લાવવા પ્રદેશ સરકારે મદરેસા શિક્ષા પરિષદે madarsaboard.upsdc.gov.in વેબસાઈટ લૉન્ચ કરી હતી. જેમાં 15 ઓક્ટોબર સુધીમાં 16461 મદરેસાઓએ માહિતી અપડેટ કરી હતી. નક્કી કરેલા નિયમો મુજબ ફક્ત એ જ મદરેસાઓને સરકારી સહાય આપવામાં આવશે જેમણે પોતાની માહિતી સરકારી વેબસાઈટ પર અપડેટ કરી હોય. આ સંજોગોમાં 2682 મદરેસાઓની માન્યતા રદ થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આપને જણાવી દે કે, ઉત્તરપ્રદેશમાં તહાનિયાં, ફૌકાનિયાં, આલિયા અને ઉચ્ચ આલિયા પ્રકારના મળીને કુલ 19143 મદરેસા છે. વેબસાઈટમાં શિક્ષક, ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓની વિગતો સાથે ઈમારતની ફોટો અને ક્લાસરુમની ડિટેલ પણ પોર્ટલ ઉપર અપડેટ કરવાની હતી. પોર્ટલમાં થઈ રહેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકારે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી 15 ઓક્ટોબર કરી હતી.

નવા નિયમો પ્રમાણે હવે મદરેસાઓના ટીચિંગ સ્ટાફને સેલેરી ઓનલાઈન માધ્યમથી જ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની વિગતો વેબસાઈટ પર અપડેટ કરવી જરુરી હતી. જેનું પાલન નહીં કરવાને કારણે 2632 મદરેસાઓ રાજ્ય સરકારની સહાયનો લાભ નહીં મેળવી શકે.