UP કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજ બબ્બરનું રાજીનામું, બ્રાહ્મણ નેતાને મળી શકે છે કમાન

લખનઉ- ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પોતાની શાખ પરત મેળવવા પ્રયાસ કરી રહી છે. જેના માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પરંપરાગત બ્રાહ્મણ વોટ બેન્ક તરફ આગળ વધવાનો નિર્ણય કરી લીધો હોય તેમ જાણવા મળી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ પદેથી રાજ બબ્બરે રાજીનામું આપી દીધું છે. જોકે તેનું રાજીનામું હજીસુધી મંજૂર કરવામાં આવ્યું નથી. તેમ છતાં મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષની કમાન બ્રાહ્મણ નેતાને આપવાનું મન બનાવી લીધું હોય તેમ જાણવા મળી રહ્યું છે.સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટીની કમાન રાહુલ ગાંધીના હાથમાં આવ્યા બાદ રાજ બબ્બરની વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી હતી. જાણકારોનું માનવું છે કે, પ્રદેશના રાજકીય સમીકરણો માટે રાજ બબ્બર યોગ્ય વ્યક્તિત્વ નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું રાજકારણ ફરી એકવાર જાતિગત સમીકરણો તરફ આગળ વધી રહ્યું છે. જોકે રાજ બબ્બરે તેના ગત એક વર્ષના કાર્યકાળમાં પાર્ટી માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ રાજ બબ્બર ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરી શક્યા નહીં.

હવે જ્યારે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજ બબ્બરે રાજીનામું આપ્યું છે ત્યારે તેમને રાહુલ ગાંધીની ટીમમાં કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ હાઈ કમાન દ્વારા રાજ બબ્બરનું રાજીનામું મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે કામકાજ ચાલુ રાખશે.