સરકારે લોકસભામાં 8 બિલ રજૂ કર્યા, આ બિલનો થયો જોરદાર વિરોધ…

નવી દિલ્હીઃ સરકારે લોકસભામાં ગઈકાલે 8 બિલ રજૂ કર્યા. આ બિલનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સૌથી વધારે વિરોધ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા Unlawful Activities(prevention) Amendment Bill નો થયો. હકીકતમાં આ બિલ પાસ થયા બાદ સુરક્ષા અને તપાસ એજન્સીઓને અધિકાર મળી જશે કે તેઓ કોઈપણ વ્યક્તિને આતંકી જાહેર કરી શકશે, પછી ભલે તેનો સંબંધ કોઈ આતંકી સંગઠન સાથે હોય કે ન હોય. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આ બિલને લઈને જબરદસ્ત વિરોધ કર્યો. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે આ બિલનું પ્રાવધાન અસંવૈધાનિક છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આ એક કમજોર અને ઉતાવળમાં રજૂ કરવામાં આવેલું બિલ છે. થરુરે કહ્યું કે જો કોઈ લોન-વોલ્ફ આતંકી છે તો પણ સરકાર પાસે તેની ધરપકડ કરવા માટે પૂરતો પાવર છે. ઘણી રીતે આવા લોકોને ડીલ કરી શકાય છે. થરુરે કહ્યું કે જો કોઈ યૂએન સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવે છે તો તેને 2007 ના યૂએન ઓર્ડર અંતર્ગત નિયંત્રિત કરવામાં આવી શકાય છે. આવામાં તમારે કોઈ વ્યક્તિને આતંકી જાહેર કરવા માટે UAPA બિલની શું જરુરત છે?

કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ કાયદાના ખોટા ઉપયોગની આશંકાઓ ખૂબ વધારે છે. સાથે જ પ્રી-લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસી, 2014 અંતર્ગત આ બિલને રજૂ કરવા પહેલા સાર્વજનિક ચર્ચા પણ ન કરવામાં આવી. થરુર અનુસાર આ બિલનો પહેલા સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયીજી દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ બિલ ભારતના સંવિધાનની વિરુદ્ધ છે અને આનાથી કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થઈ શકે છે.

થરુરે કહ્યું કે રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટીના સદસ્ય અને કોલ્લમથી સાંસદ એનકે પ્રેમચંદ્રન અનુસાર, આ બિલ કોઈ નાગરિકના જીવનના અધિકાર અને આઝાદીનું ઉલ્લંઘન કરે છે, જે સંવિધાનના આર્ટિકલ 21 અંતર્ગત આપવામાં આવી છે. પ્રેમચંદ્રન અનુસાર, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આતંકવાદ પર રોક લાગે, પરંતુ આનાથી નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન ન થવું જોઈએ.