કશ્મીર અંગે UNએ જારી કર્યો પ્રથમ અહેવાલ, ભારતે ગણાવ્યું પક્ષપાતી વલણ

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીરમાં કથિત માનવ અધિકારના ઉલ્લંઘન પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રથમ વખત રિપોર્ટ જારી કર્યો છે. જેના પર ભારતે આપત્તિ વ્યક્ત કરી છે. આ રિપોર્ટ પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK) અંગે પણ છે.સંયુક્ત રાષ્ટ્રએ કહેવાતા માનવ અધિકાર ઉલ્લંઘનોના મુદ્દાને ઉઠાવતા તેની આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી છે. ભારતે કશ્મીર અંગેના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલને ખોટો, પક્ષપાતપૂર્ણ અને દુર્ભાવનાથી પ્રેરિત ગણાવ્યો છે. એટલું જ નહીં ભારતે આ રિપોર્ટને પોતાના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતા પર પ્રહાર ગણાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે આ રિપોર્ટ જારી કરવા દરમિયાન પાકિસ્તાનને પણ જણાવ્યું કે, તે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ શાંતિપૂર્ણ ગતિવિધિ કરનારા લોકોને પરેશાન કરવામાં અને અસંતોષના દમન માટે ન કરે.

કશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનના મુદ્દાના તાત્કાલિક સમાધાન અંગે જણાવતા યુએનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કશ્મીરમાં રાજકીય સમાધાનના કોઈ પણ પ્રસ્તાવમાં એ વાત શામેલ હોવી જોઈએ કે, કશ્મીરમાં હિંસાનું કુચક્ર બંધ થાય અને માનવ અધિકારના ઉલ્લંઘન અંગે જવાબદારી નક્કી થવી જોઈએ.

આ અહેવાલ અંગે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK) વચ્ચે કોઈ તુલના કરી શકાય નહીં. કારણકે જમ્મુ-કશ્મીરમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર છે જ્યારે PoKમાં પાકિસ્તાન દ્વારા મનસ્વી રીતે કોઈ રાજદૂતની નિમણૂંક કરી દેવામાં આવે છે.

આ રિપોર્ટમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાણીની ભારતીય સુરક્ષા દળો દ્વારા એન્કુન્ટર કરાયાની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેનો કશ્મીર ઘાટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કશ્મીરમાં નાગરિકોના અપહરણ, હત્યા અને લૈંગિક હિંસા જેવા માનવ અધિકારના ઉલ્લંઘનના કેસ થઈ રહ્યા છે.