આધાર ડેટા લીક: UIDAIએ 5 હજાર અધિકારી પાસેથી એક્સેસ પરત લીધું

નવી દિલ્હી- આધાર કાર્ડ સાથે જોડાયેલી માહિતી લીક થવાના મામલાઓ સામે આવ્યાં બાદ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એક્શન મોડમાં આવી ગઈ છે. આ અંગે UIDAIએ કડક કાર્યવાહી કરી છે અને તેના 5 હજાર અધિકારીઓ પાસેથી એક્સેસના અધિકાર પાછા લઈ લીધા છે.

4 જાન્યુઆરીના રોજ માધ્યમોમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, ફક્ત 500 રુપિયામાં કરોડો આધાર કાર્ડની માહિતી મળી રહી છે. આ સમાચાર મળ્યા બાદ UIDAI હરકતમાં આવી અને તેણે પોતાના બધા જ ખાનગી અને સરકારી અધિકારીઓને આધાર ડેટા એક્સેસ કરવા પર રોક લગાવી દીધી છે. જેને મર્યાદિત એક્સેસની છૂટ આપવામાં આવી હતી.

UIDAI દ્વારા કેટલાક અધિકારીઓ અને ક્લાર્ક્સને આધાર ડેટાની એક્સેસ પરવાનગી આપવામાં આવી હતી. જે અંતર્ગત અધિકારીઓ આધાક કાર્ડ સાથે જોડાયેલી માહિતી જેમકે, કાર્ડ હોલ્ડરનું નામ, તેની જન્મ તારીખ, એડ્રેસ અને ઈમેઈલ એડ્રેસ વગેરે જોઈ શકતા હતા. જેના માટે તેમને ફક્ત 12 અંકનો આધાર નંબર સિસ્ટમમાં એન્ટર કરવાનો હોય છે.

આપને જણાવી દઈએ કે, એક અંગ્રેજી અખબારમાં આધાર કાર્ડ સાથે જોડાયેલા ડેટા સંબંધી સમાચારને લઈને દિલ્હી પોસીલે FIR નોંધાવી હતી. દિલ્હી પોલીસે આ FIRને ઓપન એન્ડેડ FIR ગણાવી હતી. જેમાં કોઈ પત્રકારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ મામલે વિવાદ સતત વધી રહ્યો છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ આ મામલામાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરી છે.