500 રુપિયા આપો અને મેળવો કરોડો આધાર કાર્ડની જાણકારી

નવી દિલ્હી- આધાર કાર્ડને લઈને સરકાર તરફથી એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આધાર કાર્ડ સંપૂર્ણ સુરક્ષિત છે. આધાર કાર્ડ બનાવનારી ઓથોરિટી UIDAIએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આધાર કાર્ડમાં દરેક વ્યક્તિની ખાનગી જાણકારીઓ સુરક્ષિત છે. પરંતુ જો તમે આમ વિચારી રહ્યાં છો તો તમે ખોટું વિચારો છો. એક દાવા પ્રમાણે માત્ર 500 રુપિયા આપીને 10 મિનિટમાં કરોડો આધાર કાર્ડની ખાનગી માહિતી મેળવી શકાય છે. જોકે, વાત માનવામાં આવે તેવી નથી પણ આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક અંગ્રેજી અખબારે કરેલી તપાસમાં આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે. અંગ્રેજી અખબારે જણાવ્યા મુજબ તેણે એક વ્હોટ્સએપ ગ્રુપ પાસેથી માત્ર 500 રુપિયામાં આ સર્વિસ ખરીદી હતી અને આશરે 100 કરોડ આધાર કાર્ડનો ડેટા મેળવ્યો હતો. જેમાં કાર્ડ ધારકનું નામ, એડ્રેસ, પિનકોડ, ફોટો, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતી લીક કરવામાં આવતી હતી.

વધુમાં અંગ્રેજી અખબારે જણાવ્યું કે, તેને તપાસ દરમિયાન એક એજન્ટ અંગે માહિતી મળી હતી. તે એજન્ટે 10 મિનિટમાં એક ગેટવે અને લોગઈન પાસવર્ડ આપ્યો હતો. જ્માં આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો હતો. ત્યારબાદ કોઈપણ વ્યક્તિની ખાનગી માહિતી સરળતાથી મેળવી શકાતી હતી. બાદમાં વધુ 300 રુપિયા આપવાથી આધાર કાર્ડની કોપીને પ્રિન્ટ કરવાનું પણ એક્સેસ મળી ગયું હતું. જેના માટે અલગથી સોફ્ટવેર હતો.

આ અંગે જ્યારે UIDAIના અધિકારીઓને જણાવવામાં આવ્યું ત્યારે અધિકારીઓએ ઘટનાની સત્યતા ચકાસવા આ મામલા અંગે બેંગલોર ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી. ચંદીગઢ સ્થિત UIDAIના રિજનલ એડિશનલ ડાઈરેક્ટર જનરલે આ અંગે જણાવ્યું કે, જો આ વાત સાચી છે તો ખરેખર આ ચોંકાવનારી વાત છે. કારણકે આધાર કાર્ડનો લોગઈન પાસવર્ડ ડાઈરેક્ટર જનરલ અને એડિશનલ ડાઈરેક્ટર જનરલ સિવાય અન્ય કોઈ પાસે રહેતો નથી.

એક વાત તો સ્પષ્ટ છે કે, જો સિસ્ટમમાં આ પ્રકારની કોઈ પણ ખામી હશે તો એ ઘણી ગંભીર ભૂલ ગણાશે. કારણકે આ પ્રકારે કોઈપણ વ્યક્તિનું આધાર કાર્ડ મેળવીને મોબાઈલ સીમકાર્ડ, બેન્ક ખાતા અથવા અન્ય કોઈપણ સેવાનો ગેરલાભ ઉઠાવી શકાય છે.