જો રોંગસાઇડેથી ગયાં તો સમજો ટાયર પંકચરની ગેરંટી…

પૂણેઃ ગુજરાતમાં જ નહીં લગભગ દેશભરમાં ટ્રાફિકને લગતી સેન્સના અભાવને કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ હોય છે. સામે તંત્ર દ્વારા પણ નીતિનિયમોને દંડ દ્વારા સમસ્યા ખાળવાના પ્રયત્નો કરવામાં આવતાં હોય છે. પૂણેમાં આ સંદર્ભે કરાયેલો નવો પ્રયોગ ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાતના શહેરોના વાહનવિભાગ પણ આ પ્રકારના સ્પીડ બ્રેકર વિશે વિચારી શકે છે.મહારાષ્ટ્રના પૂણેમાં અમાનોરા પાર્ક સર્કલ પર મૂકાયેલ સ્પીડ બ્રેકર તેની ડિઝાઇનને લઇ આકર્ષણ અને ચિંતા, એમ એકસાથે લોકોના ધ્યાનમાં આવી ગયું છે. કારણ કે આ સ્પીડ બ્રેકરનું નામ જ ટાયર કીલર છે. આ સ્પીડ બ્રેકર પરથી વાહનચાલક યોગ્ય દિશામાં જ જતો હશે તો ગતિ ધીમી કરીને સરળતાથી જઇ શકે છે, પરંતુ જો સામેની સાઇડેથી એટલે કે રોંગ સાઇડથી આવ્યાં તો તમારા વાહનના ટાયરને પંકચર થવાની તૈયારી રાખવી પડશે.પૂણે ટ્રાફિકવિભાગનો આ પ્રયોગ રોંગસાઇડના વાહનોને નિયંત્રિત કરવામાં સફળ રહેશે તો આ સ્પીડ બ્રેકરોની માગ વધવાની એ ચોક્કસ.હાલ પૂણે ઉપરાંત હૈદરાબાદમાં પણ આ પ્રકારના સ્પીડ બ્રેકર છે.