પુલવામાં એન્કાઉન્ટર: લશ્કરનો કમાંડર વસીમ શાહ ઠાર મરાયો

શ્રીનગર- જમ્મુ કશ્મીરના પુલવામામાં સિક્યુરિટી ફોર્સને આતંકીઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકી કમાન્ડર વસીમ શાહ અને હફીઝ નાસિરને ઠાર કર્યા છે.

 

આર્મીના જવાનોએ 3 આતંકીઓને ઘેરી લીધા બાદ એન્કાઉન્ટર શરુ થયું હતું. હજી પણ એક આતંકી હોવાની શક્યતાને જોતાં બંને પક્ષો તરફથી ગોળીબાર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કશ્મીર ઘાટીમાં અત્યાર સુધીમાં 170થી વધુ આતંકીઓનો સફાયો કરવામાં ભારતીય સેનાને સફળતા મળી છે.

સેનાના જવાનોને 2થી3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરુ થયું હતું. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 1 AK-47, 1 AK-56  અને 6 AK મેગઝિન મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સપ્તાહે શોપિયામાં આર્મીએ એક એન્કાઉન્ટરમાં હિઝબુલના કમાન્ડર જાહિદ મીર સહિત 3 આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાએ કશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે ઓપરેશન ક્લીન શરુ કર્યું છે.

વસીમ શાહ દક્ષિણ કશ્મીરમાં સક્રિય હતો. તે ખૂબ જ ખતરનાક આતંકી હતો. જેથી તેને સિક્યુરિટી ફોર્સે A++ કેટેગરીમાં રાખ્યો હતો. દક્ષિણ કશ્મીરમાં વસીમ શાહને ઓસામા અને વસીમ લેફ્ટીના નામથી પણ ઓળખવામાં આવતો હતો.