તુષાર મહેતા નિમાયા દેશના નવા સોલિસીટર જનરલ

નવી દિલ્હી – તુષાર મહેતાની દેશના નવા સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મહેતા 2020ની 30 જૂન સુધી આ હોદ્દા પર રહેશે.

રણજીત કુમારે અંગત કારણોસર રાજીનામું આપ્યા બાદ સોલિસીટર જનરલનો હોદ્દો 2017ની 20 ઓક્ટોબરથી ખાલી પડ્યો હતો. રણજીત કુમાર 3 વર્ષ સુધી સોલિસીટર જનરલ હોદ્દા પર રહ્યા હતા. એ દરમિયાન એ સરકાર વતી અનેક મહત્ત્વના કેસ લડ્યા હતા. એમાંનો એક કેસ નોટબંધીને લગતો પણ હતો.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ લોયર તુષાર મહેતા એડિશનલ સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે સેવા બજાવી રહ્યા છે. આ પહેલાં તેઓ ગુજરાતના એડવોકેટ જનરલ હતા.

અનેક કેસોમાં એ કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં કેસ લડ્યા છે. આમાંનો એક કેસ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 66-A સામે કરાયેલા પડકારને લગતો પણ હતો.

સોલિસીટર જનરલ પદ માટે તુષાર મહેતાની સાથે મનિન્દર સિંહ પણ દાવેદાર હતા. પરંતુ, કેન્દ્રીય પ્રધાનમંડળની નિયુક્ત સમિતિએ ટોચના હોદ્દા પર તુષાર મહેતાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.