તીન તલાક બિલ રાજ્યસભામાં પસાર થશે તો AIMPLB જશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- મોદી સરકાર બુધવારે તીન તલાક વિરોધી વિધેયક ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ને રાજ્યસભામાં રજૂ કરશે. આ વિધેયકને કોઈપણ જાતના ફેરફાર વગર લોકસભામાં પહેલા જ પસાર કરી દેવામાં આવ્યું છે. હવે રાજ્યસભા પર સૌ કોઈની નજર રહેલી છે. કારણકે રાજ્યસભામાં સત્તાધારી પક્ષ ભાજપ પાસે બહુમતિ નથી તેથી વિપક્ષો સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર આ બિલને પાસ કરાવવા પુરા પ્રયાસ કરી રહી છે.

આ વિધેયકનો પહેલેથી જ વિરોધ કરી રહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું છે કે, જો તીન તલાક વિરોધી બિલ રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવશે તો બિલના વિરોધમાં તે સુપ્રીમ કોર્ટ જશે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના સદસ્ય એજાઝ અરશદ કાસમીએ કહ્યું કે, મોદી સરકાર તીન તલાક વિરોધી કાયદો બનાવવા જે વિધેયક લાવી રહી છે તે મુસ્લિમ શરીયતનું ઉલ્લંઘન કરે છે. વધુમાં કાસમીએ કહ્યું કે, સરકારે આ વિધેયકને લોકસભામાં ભલે પસાર કરાવી લીધું પણ અમે આશા રાખીએ છીએ કે, રાજ્યસભામાં આ બિલ પસાર નહીં થઈ શકે. તેમ છતાં પણ કેન્દ્ર સરકાર જો તીન તલાક બિલને રાજ્યસભામાં પસાર કરાવવામાં સફળ થશે તો બિલના વિરોધમાં અમારી પાસે સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો છે.

કાસમીએ દાવો કર્યો કે, દેશભરના મુસ્લિમ સંગઠનો AIMPLBની સાથે છે. બધા જ મુસ્લિમ સંગઠનોએ એ વાત પર એક મત વ્યક્ત કર્યો છે કે, જો રાજ્યસભામાં પણ તીન તલાક વિરોધી બિલ પાસ થશે તો બિલના વિરોધમમાં સુપ્રીમ કોર્ટ જવું જોઈએ.