મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક પદ્ધતિ પર પ્રતિબંધ મૂકતો ખરડો લોકસભામાં પાસ થયો

નવી દિલ્હી – કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે આજે વિજય હાંસલ કર્યો છે. મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક દ્વારા પત્નીઓને છૂટાછેડા આપી દેવાની પદ્ધતિની વિરુદ્ધના ખરડા પર પ્રતિબંધ મૂકતા અને આ રીતે છૂટાછેડા આપનાર મુસ્લિમ પતિને જેલની સજા કરવાની જોગવાઈ કરતા ખરડાને લોકસભામાં બહુમતી સાથે પાસ કરી દેવામાં આવ્યો છે. આમ, આ ખરડા સામેના વિરોધનો રકાસ થઈ ગયો છે.

ધ મુસ્લિમ વીમેન બિલ (ટ્રિપલ તલાક) 2018 નામનો ખરડો બહુમતીથી પાસ થયો છે. ખરડાની તરફેણમાં 245 મત પડ્યા હતા અને વિરુદ્ધમાં માત્ર 11 મત પડ્યા હતા.

ટ્રિપલ તલાક ખરડો એટલે કે મુસ્લિમ મહિલાઓ (લગ્ન અંગેના અધિકારોનું રક્ષણ) ખરડો, 2018 લોકસભામાં તો જંગી બહુમતીથી પાસ થઈ ગયો છે, પણ હવે રાજ્યસભામાં પણ એને પાસ કરાવવામાં ભાજપની આખરી કસોટી થવાની છે. કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહમાં પાસ કરાવવાનું આવશ્યક હોય છે. એ પછી જ તે કાયદો બને છે.

ટ્રિપલ તલાક ખરડા વિશે આજે સવારથી લોકસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાને અંતે મતદાન યોજવામાં આવ્યું હતું.

આ ખરડાને સંયુક્ત સિલેક્ટ સમિતિને સુપરત કરવાની કોંગ્રેસે માગણી કરી હતી, પણ કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે એ માગણીને ફગાવી દીધી હતી. તેથી એનાથી નારાજ થયેલા કોંગ્રેસના સભ્યો મતદાન શરૂ થાય એ પહેલાં વોકઆઉટ કરી ગયા હતા.

કોંગ્રેસ ઉપરાંત અન્નાદ્રમુક, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળનાં સભ્યોએ સભાત્યાગ કર્યો હતો.

ઓવૈસીએ રજૂ કરેલા ચાર સુધારાને લોકસભાએ ફગાવી દીધા તેમજ ટ્રિપલ તલાક વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરનાર પતિઓને જેલની સજા કરતી જોગવાઈ રદ કરવાની માગણીને પણ સરકારે નકારી કાઢી હતી.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખાડગેએ એવી દલીલ કરી હતી કે ટ્રિપલ તલાક ખરડો મુસ્લિમ પર્સનલ કાયદાના ભંગ સમાન છે.

ત્યારે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દુનિયામાં 20 ઈસ્લામી દેશોમાં ટ્રિપલ તલાક પદ્ધતિ પર પ્રતિબંધ છે તો ભારતમાં કેમ ન હોય?

પ્રસાદે એમ પણ કહ્યું હતું કે ભારતમાં દહેજ પ્રથા પર પ્રતિબંધ છે તો ટ્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ કેમ હોવો ન જોઈએ?