રેલવે યાત્રીઓ માટે ‘અચ્છે દિન’, ટિકિટ પર ભોજનનું મેનું કીમત સાથે છપાશે

નવી દિલ્હી- રેલવે પ્રવાસીઓ માટે આગામી દિવસોમાં ‘અચ્છે દિન’ આવી રહ્યાં છે. કારણકે હવે પ્રવાસીઓને મુસાફરી દરમિયાન ખાણી પીણીની વસ્તુઓની વધારે કીમત નહીં ચુકવવી પડે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) હવે ટ્રેનની ઓનલાઈન અથવા મેન્યુઅલ ટિકિટ ઉપર ખાણી પીણીનું મેનું ભાવ સાથે પ્રિન્ટ કરશે. જેથી પ્રવાસીઓએ મુસાફરી દરમિયાન ખાણી-પીણીના મામલે છેતરાવું નહીં પડે.આગામી 15 જુલાઈ બાદ IRCTC દ્વારા પ્રવાસીઓને ભોજનું મેનું અને કીમત ઓનલાઈન પણ ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશન ઉપર IRCTCના કેટરિંગ વેન્ડર ગ્રાહકો પાસેથી ખાણી-પીણીની વસ્તુઓના ભાવ નિર્ધારિત કીમત કરતાં વધારે વસૂલતા હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તંત્રએ અગાઉ ટ્વીટરના માધ્યમથી કેટરિંગનું મેનૂ અને કીમત પ્રવાસીઓને જણાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્વીટરનો ઉપયોગ ઘણા ઓછા પ્રવાસીઓ કરતા હોવાથી સમસ્યાનું સમાધાન શક્ય બન્યું નહતું. જેથી હવે કાયમી સમાધાનના ભાગરુપે ઓનલાઈન અને મેન્યૂઅલ ટિકિટ પાછળ ખાણી-પીણીની વસ્તુઓની કીમત લખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેલવે ટિકિટમાં જે મેનૂ દર્શાવવામાં આવશે તેમાં ચા-પાણીથી લઈને ભોજન સુધીની માહિતી છાપવામાં આવશે. તેથી ગ્રાહકો વસ્તુના ભાવથી માહિતગાર રહે અને વેન્ડર્સ વધુ કીમત વસૂલી શકે નહીં. મળતી માહિતી મુજબ ટી બેગ સાથે ચા અથવા કોફીની કીમત 7 રુપિયા, 500ml પાણીની બોટલ 10 રુપિયા, એક લિટર પાણીની બોટલ 15 રુપિયા, જનતા ભોજન અથવા રેગ્યુલર થાળી (પૂરી કે રોટલી શાક) 20 રુપિયા પ્રતિ ડીશ, ઉપરાંત અન્ય વેજ-નોન વેજ વસ્તુના ભાવ પણ છાપવામાં આવશે.