કર્ણાટક: ટીપૂ સુલતાન જયંતિ કાર્યક્રમમાં વિરોધ, બસો ઉપર પથ્થર મારો

બેંગલુરુ- 18મી સદીના મૈસૂરના શાસક રહેલા ટીપૂ સુલતાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય પરિવહનની બસો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી. ઉપરાંત કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં પણ સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં પોલીસના 11 હજાર જવાનો નિયુક્ત કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર ટીપૂ સુલ્તાનને સ્વતંત્રતા સેનાનીના રુપમાં સન્માનિત કરી રહી છે. કર્ણાટકના કોડવા સમુદાય, ભારતીય જનતા પાર્ટી અને કેટલાક સ્થાનિક સંગઠનોએ કોંગ્રેસના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ટીપૂ સુલ્તાન ધાર્મિકરીતે કટ્ટર શાસક હતો. તેણે લોકોને બળજબરી પૂર્વક ઈસ્લામ સ્વીકારવા મજબૂર કર્યા હતા.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, બેંગલુરુના પોલીસ કમિશ્નર ટી. સુનીલ કુમારે જણાવ્યું છે કે, શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં પોલીસે 11 હજાર જવાન તહેનાત કર્યા છે. વધુમાં ટી. સુનીલ કુમારે જણાવ્યું કે, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની 20 અને કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસની 30 ટૂકડીઓ શહેરના વિવિધ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ખાસ રીતે હિંસાની આશંકા વાળા 10 જિલ્લામાં પણ હજારો પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યા છે. સુનીલ કુમારે કહ્યું કે, કોડાગુ, મેંગલોર, મૈસુર અને બેંગલુરુ શહેર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જરુર જણાય ત્યાં કાયદાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.