સોનિયાનો મોદી પર કટાક્ષ: કેટલાક લોકો કામ કરે છે, અને કેટલાક માત્ર શ્રેય લે છે

નવી દિલ્હી- પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જયંતીના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો કર્યાં હતાં અને કટાક્ષ કરતા કહ્યું હતુ કે, કેટલાક લોકો કામ કરે છે, અને કેટલાક લોકો કામનો શ્રેય લે છે.

ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિતરણ સમારોહમાં સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા કહ્યું કે, અને કહ્યું કે, મનમોહન સિંહે તેમના કાર્યકાળ દરમિયાન કયારેય પોતાનો પ્રચાન નથી કર્યો અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઉચ્ચતમ આર્થિક વિકાસ દર પ્રાપ્ત કર્યો હતો.

મનમોહન સિંહના એક દાયકાના કાર્યકાળમાં ભારતે તેમનો ઉચ્ચતમ આર્થિક વિકાસ દર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે દેશ આગળ વધી રહ્યો હતો ત્યારે તે વડાપ્રધાન બન્યા હતાં. અને વડાપ્રધાન બન્યા બાદ થોડા મહિનાઓમાં જ તેમની નીતિઓનો ઉંડો પ્રભાવ પડ્યો હતો. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરતી નજરે પડી હતી.

વડાપ્રધાન મોદી પર અપ્રત્યક્ષ રીતે હુમલો કરતા કહ્યું કે, એક તરફ એવા લોકો છે જે કામ કરે છે, અને એક તરફ એક લોકો છે જે માત્ર ક્રેડિટ લે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, મનમોહન સિંહ એ વ્યક્તિ છે, જેમણે ઈન્દિરા ગાંધી સાથે દોઢ દાયકા સુધી કામ કર્યું હતું. આ મોટી મોટી વાતો કરનારા નથી, પોતાના વખાણ કરનારા વ્યક્તિ નથી. વધુમાં કહ્યું કે, મનમોહન સિંહે  કદી પણ પોતાના માટે કશું માગ્યુ નથી. અને દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે ભારત માટે દુનિયાભર માંથી પ્રશંસા મેળવી હતી. તેમણે કહ્યું કે, આગામી ઘણા વર્ષો સુધી અમે મનમોહન સિંહની સલાહ અને માર્ગદર્શન મેળવતા રહીશું.

દિલ્હી સ્થિત પર્યાવરણ થિંક ટેંક સીએસઈને પર્યાવરણ, શિક્ષા અને સંરક્ષણ મામલે શ્રેષ્ઠ કામગીરી બદલ આ વર્ષે ઈન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ છત્તિસગઢમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પરિવાર પર હુમલો કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, મારો સવાલ છે કે, પાંચ વર્ષ માટે આ પરિવારની બહારના કોઈ એક વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવીને બતાવે. દેશને ખબર છે કે, સીતારામ કેસરી દલિત, પીડિત અને શોષિત સમાજ માંથી આવેલા વ્યક્તિને પાર્ટી અધ્યક્ષના સ્થાને કેવી રીતે દૂર કરવામાં આવ્યા હતાં. અને તેમના સ્થાને મેડમ સોનિયાજીને બેસાડી દેવામાં આવ્યાં હતાં.