5જી સ્પેક્ટ્રમની હરાજી માટે મળી ગઈ ટાઈમલાઈન, કંપનીઓ લાઈનમાં…

નવી દિલ્હીઃ કેન્દ્રની ભાજપ સરકારના નવા ટેલીકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે દેશમાં સ્પેક્ટ્રમ વેચાણનો બીજો રાઉન્ડ આ જ વર્ષે આયોજિત થશે. આ સાથે જ 5જી સ્પેક્ટ્રમની શરુઆત થશે અને આવનારા 100 દિવસોમાં 5જી ટ્રાયલ કરવામાં આવશે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે તે ટેલિકોમ ઉદ્યોગ સાથે નાણાકીય સમસ્યાઓને સમજવા અને તેના સમાધાન માટે વાતચીત કરશે.

રવિશંકર પ્રસાદે સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયની પણ જવાબદારી સંભાળી છે. તેમણે સોશિયલ મીડિયા કંપનીઓને કહ્યું છે કે તેઓ પોતાના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ ન થવા દે. પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કટ્ટરવાદ અને હિંસા જેવી અપરાધિક ગતિવિધિઓ માટે ન થવા દેવો તે કંપનીઓની જવાબદારી છે. આના માટે નવી ગાઈડલાઈન્સને નોટિફાઈ કરવી તેની પ્રાથમિકતામાં શામિલ હશે. આ સાથે જ પ્રસાદે કહ્યું કે નેશનલ ડેટા ગ્રિડની સ્થાપના અને ડેટા સુરક્ષા બિલ પાસ કરાવવું પણ અમારી પ્રાથમિકતા હશે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે ટેલીકોમ નિયામક ટ્રાઈએ સ્પેક્ટ્રમ પર પોતાની ભલામણ આપી દીધી છે. ટ્રાઈ સાથે વિચાર વિમર્શ કરવાની જરુર છે કે નહી તે જોવું પડશે. અમે લોકો 5જીનો ટ્રાયલ આવતા 100 દિવસોમાં શરુ કરી દઈશું.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 5જીને સપોર્ટ કરનારી કેટલીક બ્રાંડ માટે ટેલીકોમ નિયામક ટ્રાઈએ જે બેઝ પ્રાઈઝ રાખી છે તે ખૂબ વધારે છે. તેમણે નામ ન જાહેર કરવાની શરતે માહિતી આપી કે નિયામકના સૂચનો જોતી સમિતિ પણ એ વાત પર સહમત છે કે તમામ ઉપલબ્ધ સ્પેક્ટ્રમની હરાજી થવી જોઈએ. આ 13 જૂનના રોજ ડિજિટલ કમ્યુનિકેશન કમિશન સામે રાખવામાં આવશે.

જો કે ટ્રાઈ દ્વારા જણાવવામાં આવેલી કીંમતને ઓછી કર્યા વિના 4જી-5જી સ્પેક્ટ્રમની હરાજી પર ઉદ્યોગ મતમતાંતર ધરાવે છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાનું કહેવું છે કે વર્તમાન બેસ કીંમત પર 5જી સ્પેક્ટ્રમ વેચવાની કોશિશ નિષ્ફળ સાબિત થશે.

ટેલીકોમ માર્કેટની નવી કંપની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ વર્તમાન કીંમત પર જ સ્પેક્ટ્રમની જલદી હરાજી કરવા ઈચ્છે છે. એરટેલના પ્રવક્તાએ મીડિયાને માહિતી આપી કે ભવિષ્યમાં આવી કોઈપણ સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતી એરટેલ કેટલાક વર્તુળમાં 4જી સ્પેક્ટ્રમનો નાનો ભાગ ખરીદવા માટે ભાગ લઈ શકે છે. 5જી સ્પેક્ટ્રમ ખરીદવું તેની કીંમત પર નિર્ભર રહેશે. મોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ લાઈફલાઈન જેમ છે. ભારતી એરટેલે સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવાની સાથે જ કંપનીઓને ખરીદવાની મદદથી ટેલીકોમ ઉદ્યોગમાં સ્પેક્ટ્રમનો મોટો પૂલ બનાવી લીધો છે.