ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાનું ષડયંત્ર, ટાર્ગેટ પર અક્ષરધામ

નવી દિલ્હી- આગામી ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચાયું હોવાનું જાણવા મળ્યું છે. ગતરોજ મથુરા પાસે શતાબ્દિ એક્સપ્રેસમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેની માહિતીના આધારે બે અન્ય શખ્શોની શોધ કરવા માટે રાજધાની દિલ્હીની એક હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બન્ને શકમંદ વ્યક્તિઓ એક દિવસ પહેલા જ હોટલ છોડીને જતા રહ્યાં છે. હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ, યુપી ATS અને IB આ બન્ને શકમંદોને પકડવા પ્રયાસ કરી રહી છે. સૂત્રોનું માનીએ તો, આતંકીઓનું મુખ્ય ટાર્ગેટ દિલ્હીમાં 26 જાન્યુઆરીનો કાર્યક્રમ અને અક્ષરધામ મંદિર હોઈ શકે છે.

મથુરા પાસે શતાબ્દિ એક્સપ્રેસમાંથી જે શખ્શની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ બિલાલ તરીકે કરવામાં આવી છે. બિલાલ કશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. પોલીસ પુછપરછમાં તેણે જણાવ્યું કે, તે અને તેના સાથીઓ 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમ અને અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા.

બિલાલે જણાવ્યું કે, તે અને તેના અન્ય બે સાથીઓ દિલ્હીની જામા મસ્જિદ પાસે આવેલી હોટલમાં રોકાયા હતાં. તે હોટલથી નીકળી ગયો પરંતુ તેના સાથીઓ હજી ત્યાં જ છે. બિલાલની બાતમીના આધારે પોલીસે જામા મસ્જિદ પાસે આવેલી હોટલ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી જાણવા મળ્યું કે, 2 જાન્યુઆરીએ તે લોકો આવ્યા હતા અને 6 જાન્યુઆરીએ રાત્રે 8:30 વાગ્યે હોટલ છોડાને જતા રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, 26મી જાન્યુઆરીને લઈને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપ્યા બાદ ગૃહમંત્રાલયે અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે. ડ્રોન અને હવાઈ હુમલાના જોખમને લઈને ગૃહમંત્રાલયે દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશની પોલીસ અને ચીફ સેક્રેટરીને આ અંગે પત્ર દ્વારા જાણ કરી છે. તમામ રાજ્યોની પોલીસને જણાવવામાં આવ્યું છે કે, જ્યાં પણ નાના પ્લેન ઉતરવાની શક્યતા છે ત્યાં સુરક્ષા વધુ સઘન કરવામાં આવે.