સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ સામે વિરોધને કારણે તંગદિલી; અનેકની અટકાયત

નિલક્કલ/પથનમપીટ્ટા/પમ્બા (કેરળ) – માસિક પૂજા-અર્ચના માટે પ્રાચીન સમયનું સબરીમાલા મંદિર આજે ખુલ્લું મૂકાય એના અમુક કલાકો પૂર્વે કેરળના કેટલાક ભાગોમાં તંગદિલી ઊભી થઈ છે. પહાડ પર ગાઢ જંગલમાં આવેલું આ મંદિર આજે સાંજે પાંચ વાગ્યાથી પૂજા-દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મંદિરમાં તમામ વયની મહિલાઓને પૂજા-અર્ચના, દર્શન કરવાની પરવાનગી આપી છે, પરંતુ કેટલાક લોકો 10-50 વર્ષની વચ્ચેની વયની મહિલાઓને પરવાનગી સામે વિરોધ કરી રહ્યા છે. કેરળની સરકાર પણ સુપ્રીમ કોર્ટના આદેશનું સમર્થન કરે છે, પણ અમુક સંગઠનોને એની સામે વિરોધ છે.

એવા સંગઠનોના લોકોએ દેખાવો કર્યા છે અને મંદિર તરફ જતી મહિલાઓને અટકાવી હતી. એને કારણે દેખાવકારો તથા પોલીસો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે અનેક દેખાવકારોને પકડ્યા છે.

રજસ્વલા છોકરીઓ અને મહિલાઓને સબરીમાલા મંદિરમાં દાખલ કરવા સામે સ્થાનિક લોકો અને સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

દેખાવકારોને હટાવવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો છે. એને કારણે મંદિર જવા માટેના મુખ્ય માર્ગ નિલક્કલમાં આજે સવારથી તંગદિલી ઊભી થઈ હતી.

સબરીમાલા મંદિરમાં મહિલોને પ્રવેશ આપવા માટે નિલક્કલ અને પંબામાં વિરોધ કરી રહેલાઓમાં ત્રાવણકોર દેવાસમ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.

તમામ દેખાવકારોને પોલીસ જીપમાં બેસાડીને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
એને કારણે દેખાવકારો ભડક્યા હતા. એમના હુમલામાં બે મહિલા ટીવી પત્રકારોને પણ ઈજા થઈ હતી.