BJP સાથે ‘છેડો ફાડવાના’ મૂડમાં TDP, ચંદ્રાબાબુએ બોલાવી પાર્ટી સાંસદોની બેઠક

નવી દિલ્હી- શિવસેના બાદ હવે NDAની વધુ એક સહયોગી પાર્ટી TDP તેલુગુ દેશમ પાર્ટી BJPનો સાથ છોડી શકે છે. બજેટ અંગે તેલુગુ દેશમ પાર્ટીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને જણાવ્યું કે, બજેટમાં આંધ્રપ્રદેશની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. વધુમાં TDPએ બજેટને જનવિરોધી ગણાવ્યું અને વ્યવસાયીઓ માટે લાભદાયક ગણાવ્યું હતું. આંધ્રપ્રદેશને વિશેષ સહાયતા આપવાના કેન્દ્ર સરકારના વલણ અંગે પણ તેલુગુ દેશમ પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે.સૂત્રોનું માનીએ તો, આંધ્રપ્રદેશના સીએમ અને TDP તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ આ અંગે ગંભીરતાથી વિચારી રહ્યાં છે. ઘટના અંગે ચર્ચા કરવાં ચંદ્રાબાબુએ રવિવારે પાર્ટી સાંસદોની એક બેઠક પણ બોલાવી છે. મહત્વનું છે કે, લોકસભામાં તેલુગુ દેશમ પાર્ટીના 16 સાંસદો છે અને રાજ્યસભામાં 6 સાંસદો છે.

જો BJP સાથે TDP છેડો ફાડશે તો અન્ય રાજકીય વિકલ્પ અંગે વિચાર કરવાના પણ ચંડ્રાબાબુએ સંકેત આપ્યા છે. ઉપરાંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં TDPએ BJPની સાથે રહીને ચૂંટણી લડવી કે નહીં તે અંગે પણ જનતાનો અભિપ્રાય લેવામાં આવશે તેમ TDP તરફથી જણાવવામાં આવ્યું છે.