‘જેઠાલાલ’ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે

જયપુર – ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ હિન્દી ટીવી સિરિયલના અભિનેતા દિલીપ જોશી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરવાના છે.

સિરિયલમાં ‘જેઠાલાલ’નું પાત્ર ભજવતા જોશી રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં બડી સદરી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉભેલા લલિત ઓસ્ટવાલ માટે પ્રચાર કરવાના છે.

જોશી બડી સદરીમાં ઓસ્ટવાલની ચૂંટણી સભામાં હાજર રહેશે અને ચૂંટણીમાં એમને વોટ આપવાની મતદારોને અપીલ કરશે.

ટીવી સિરિયલ ઉપરાંત દિલીપ જોશી ‘હમ આપકે હૈં કૌન’, ‘મૈંને પ્યાર કિયા’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

તાજેતરમાં લોકપ્રિય ટીવી અભિનેતાઓમાંના એક જોશી છે અને તેઓ એમના કોમિક ટાઈમિંગને માટે જાણીતા છે.

200-બેઠકોની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે 7 ડિસેમ્બરે મતદાન છે. 11 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.