એક ટ્વીટ કરશો તો પણ વિદેશ મંત્રાલય મદદ માટે તૈયાર છે: સુષમા સ્વરાજ

0
1427

નવી દિલ્હી- ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજએ કહ્યું છે કે, વિશ્વના કોઈ પણ ખૂણે પ્રવાસી ભારતીય કોઈ પણ મુશ્કેલીમાં મુકાય તો તેના એક ટ્વીટ કરવાથી પણ વિદેશ મંત્રાલય તેની મદદ કરવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ હાલમાં આસિયાન દેશો વચ્ચે ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી વિયેતનામ અને કમ્બોડિયાના પ્રવાસે છે.સુષમા સ્વરાજે કહ્યું કે, ભારતનો નાગરિક વિશ્વમાં ક્યાંય પણ તકલીફમાં મુકાય તો તેને વિશ્વાસ હોય છે કે, સરકાર તેને બચાવશે. ફક્ત એક ટ્વીટ કરવાથી પણ તેને મદદ કરવામાં આવશે. પહેલા ભારતીય એમ્બસી માટે આ પ્રાથમિકતાનો વિષય નહતો. પરંતુ હવે ભારતીય નાગરિકને મદદ કરવી એ ટોચની અગ્રતા બની છે. વડાપ્રધાને વિદેશોમાં રહેતા ભારતીયોને ગૌરવ અપાવવાની તક આપી છે અને વિદેશ મંત્રાલયે તેમને હરસંભવ મદદની ખાતરી અપાવવાની તક આપી છે.

મહત્વનું છે કે, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે. અને એવા પણ ઘણા ઉદાહરણો છે કે, ટ્વીટર પર સંદેશોઓ મળ્યા બાદ તેમણે વિશ્વના ઘણા ભાગોમાં મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોને મદદ પણ કરી છે.

જુલાઈ મહિનામાં જ વિદેશપ્રધાને અમેરિકામાં ફસાયેલા એક ભારતીયની મદદ કરી હતી, જેનો પાસપોર્ટ ખોવાઇ ગયો હતો. અને આગામી 15 દિવસમાં તેના લગ્ન થવાના હતા. આ યુવકે ટ્વીટરના માધ્યમથી વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પાસે મદદ માગી હતી.