સુષમા સ્વરાજ તેમના આ પગલાંને લઈ ચારેકોર વખણાયાં, ટ્વીટ સાથે જણાવ્યું કે…

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે શનિવારે જાણકારી આપી છે કે તેમણે પોતાનું સરકારી મકાન ખાલી કરી દીધું છે. સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું કે, મેં નવી દિલ્હીના 8 સફદરજંગ લેન સ્થિત પોતાનાં સરકારી આવાસને ખાલી કરી દીધું છે. કૃપા કરીને ધ્યાન રાખો કે પહેલાંવાળા સરનામા અને ફોન નંબર પર મારાં સાથે સંપર્ક નહીંં થઈ શકે.

આ પહેલાં 10 જૂનના રોજ સુષમા સ્વરાજે તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવા સમાચારોને ફગાવ્યાં હતાં. કેન્દ્રીયપ્રધાન હર્ષવર્ધને સુષમા સ્વરાજને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા અને મારા દીદી પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા પર શુભકામનાઓ. તમામ ક્ષેત્રોમાં આપના લાંબા અનુભવથી પ્રદેશની જનતા લાભાન્વિત થશે.

સુષમા સ્વરાજે તે સમયે ટ્વિટ કર્યું કે મને આંધ્રના રાજ્યપાલ બનાવવામાં આવશે તે સમાચાર સાચાં નથી. સુષમાના આ ટ્વિટ બાદ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને પોતાના ટ્વિટને ડિલીટ કર્યું હતું. પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજે આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નહોતી કરી. તેમણે સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને લોકસભા ચૂંટણી ન લડવાની વાત કહી હતી. વર્ષ 2014માં સ્વરાજને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સુષમા સ્વરાજની જગ્યાએ એસ જયશંકરને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યાં છે. આ પહેલાં જયશંકર પ્રસાદ વિદેશ સચીવ રહી ચૂક્યાં છે. વિદેશપ્રધાન રહ્યાં તે દરમિયાન સુષમા ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહેતાં હતાં અને વિદેશમાં રહેતાં ભારતીયોની સમસ્યાઓનું સમાધાન પણ તરત કરતાં હતાં. તેઓ પોતાના કામ કરવાના અંદાજને લઈને પ્રવાસી ભારતીયોમાં ખૂબ લોકપ્રિય છે.