હજ પર GST હટાવવા માગ, SCએ કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

0
2893

નવી દિલ્હી- દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે હજ યાત્રા પર 9 ટકા GST લગાડવાને લઈને જવાબ માગ્યો છે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં હજ યાત્રાને GSTથી છૂટ આપવાની અપીલ કરવામાં આવી છે.

આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અધિવક્તા અટોર્ની જનરલ પાસે તેમનો પક્ષ રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, હજ એક ધાર્મિક યાત્રા છે જેથી તેના પર GST લાગુ કરવો જોઈએ નહીં. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ હજ પરથી GST હટાવવાની માગ કરવામાં આવી હતી.

વર્ષ 2018થી 2022 માટે બનાવવામાં આવેલી નવી હજી કમિટી અંતર્ગત હજયાત્રા પર GST લગાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં લાવવામાં આવ્યો હતો. ત્યારથી જ મુસ્લિમ સમુદાયમાં આ નીતિનો વિરોધ જોવા મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે GST અમલમાં આવ્યા બાદ હજયાત્રા આશરે 20 હજાર રુપિયા જેટલી મોંઘી થઈ જશે.

નવા નિયમ અમલમાં આવ્યા બાદ હજ અને ઉમરાહ પર જનારા યાત્રિઓનો પ્રવાસ ખર્ચ વધી જશે. ભારતમાં હજ કમિટીનો વાર્ષિક કોટા 1 લાખ 70 હજાર યાત્રીઓનો છે. મહત્વનું છે કે, ભારત સરકાર અને સાઉદી અરબ સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ દરિયાઈ માર્ગ દ્વારા પણ હજયાત્રાને પરવાનગી આપી દેવામાં આવી છે. જેથી હજયાત્રીઓને યાત્રા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.