મુખ્ય મુદ્દાઓ પર સુનાવણી માટે CJIએ બનાવી 5 જજની બેન્ચ, ચાર સિનિયર જજને જગ્યા નહીં

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ અને અન્ય ચાર સિનિયર જજ વચ્ચે ચાલી રહેલો વિવાદ પુરો થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ ગતરોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં મુખ્ય મુદ્દાઓની સુનાવણી માટે 5 જજોની બેન્ચ બનાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ બેન્ચમાં પ્રેસ કોન્ફરન્સ કરીને  CJI પર ગંભીર આરોપ લગાવનારા 4 જજોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આપને જણાવી દઈએ કે, ગત શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટના ચાર જજ ન્યાયાધિશ જે ચેલમેશ્વર, ન્યાયાધિશ રંજન ગોગોઈ, ન્યાયાધિશ એમ.બી.લોકુર અને ન્યાયાધિશ મૂર્તિ કુરિયન જોસેફે પ્રેસ કાન્ફરન્સ કરીને દેશની ન્યાયિક પ્રણાલી પર સવાલ ઉભા કરિયા હતા. ત્યારબાદ નવી બનાવવામાં આવેલી બેન્ચમાં પાંચ જજમાંથી ઉપરોક્ત ચારમાંથી કોઈ પણ જજને સ્થાન આપવામાં આવ્યું નથી.

આપને જણાવી દઈએ કે, જજોની બનેલી નવી બેન્ચ કેરલના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના વિવાદાસ્પદ મુદ્દા પર પણ સુનાવણી કરશે. ઉપરાંત અન્ય એક પ્રશ્ન અંગે પણ સુનાવણી કરવામાં આવશે જેમાં કોઈ પારસી મહિલા બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ પોતાની ધાર્મિક ઓળખ ગુમાવી દેશે કે કેમ તે અંગે સુનાવણી કરવામાં આવશે.

આ તમામ કેસને પહેલાં સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત જસ્ટિસ લોયાના મૃત્યુના કેસમાં તપાસની બે અરજી ન્યાયાધિશ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ છે, જેના વિરુદ્ધ એક વરિષ્ઠ વકીલે જાહેરમાં આક્ષેપ મૂક્યા હતા.