સુબ્રત રોય, ત્રણ ડાયરેક્ટરોને 28 ફેબ્રુઆરી પહેલાં હાજર થવાનું સુપ્રીમ કોર્ટનું સમન્સ

નવી દિલ્હી – સહારા ગ્રુપના વડા સુબ્રત રોય અને એમના ગ્રુપના અન્ય ત્રણ ડાયરેક્ટરોને 28 ફેબ્રુઆરી પહેલાં કોર્ટમાં હાજર થવાનું સુપ્રીમ કોર્ટે સમન્સ જારી કર્યું છે.

ઈન્વેસ્ટરોને એમનાં નાણાં પરત કરવા અંગેના SEBI-સહારા કેસમાં રૂ. 25,700 કરોડની રકમ હજી સુધી જમા કરાવી ન હોવાનો સુબ્રત રોય પર આરોપ છે.

કોર્ટનું કહેવું છે કે આ કેસમાં સહારા ગ્રુપે હજી માત્ર રૂ. 15,000 કરોડ જ જમા કરાવ્યા છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સહારા ગ્રુપને આ રકમ જમા કરાવવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે એવી નોંધ લીધી છે કે સહારા ગ્રુપે હજી માત્ર રૂ. 15,000 કરોડ જ જમા કાવ્યા છે.

બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત ન્યાયમૂર્તિઓ એ.કે. સિકરી અને એસ.કે. કૌલ અન્ય ન્યાયાધીશો છે.

સુબ્રત રોય તથા એમના અન્ય ડાયરેક્ટરોને વધુ સમય આપવાનો ન્યાયાધીશોની બેન્ચે ઈનકાર કર્યો છે.