લોકપાલની પસંદગી માટે સમયમર્યાદા નક્કી કરે કેન્દ્ર: સુપ્રીમ કોર્ટ

0
1794

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોકપાલની પસંદગીની સમયમર્યાદા નક્કી કરવા જણાવ્યું છે. આ અંગે એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલદી જ આ મામલે બેઠક બોલાવશે. આ મામલે આગામી સુનાવણી 17 જુલાઈએ કરવામાં આવશે.જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આર. ભાનુતમતિની બેન્ચે કેન્દ્ર સરકારને જણાવ્યું કે, દેશમાં લોકપાલની નિમણૂક અંગે જે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે સુપ્રીમ કોર્ટને માહિતગાર કરવામાં આવે અને 10 દિવસની અંદર સોગંદનામું દાખલ કરવામાં આવે. કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે લોકપાલની નિમણૂકના સંદર્ભમાં સરકાર પાસેથી મળેલી લેખિત સૂચનાઓ રજૂ કરી હતી.

આપને જણાવી દઈએ કે, લોકપાલની નિમણૂકના સંદર્ભમાં એપ્રિલ-2018માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, પસંદગી સમિતિમાં કાયદા નિષ્ણાંતની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ‘તેમને આશા છે કે, લોકપાલની નિમણૂક જલદી કરવામાં આવશે’. એ સમયે સુપ્રીમ કોર્ટે મામલાની વધુ સુનાવણી 15 મે સુધી મુલતવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે, સમાજસેવી અન્ના હજારેએ પણ લોકપાલની નિમણૂક થાય તે માટે આંદોલન કર્યું હતું.