પોખરણમાં કરવામાં આવ્યું સુપરસોનિક મિસાઈલ ‘બ્રહ્મોસ’નું સફળ પરીક્ષણ

0
2824

નવી દિલ્હી- રાજસ્થાનના પોખરણમાં વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું આજે વધુ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓછી ઉંચાઈ પર અને ઝડપી ઉડાન ભરવામાં તેમજ દુશ્મનોના રડારથી બચીને લક્ષ્યને સચોટ રીતે ભેદવા માટે જાણીતી બ્રહ્મોસ મિસાઈલનું ગુરુવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું પ્રથમ પરીક્ષણ 12જૂન, 2001ના રોજ કરવામાં આવ્યું હતું. મિસાઈલનું નામ બ્રહ્મોસ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મસ્કવા નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઈલ અવાજની ઝડપ કરતાં પણ આશરે 3 ગણી વધારે ગતિએ પ્રહાર કરવા સક્ષમ છે. બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 290 કિમોમીટર છે. આ મિસાઈલ પોતાની સાથે 300 કિલોગ્રામ પરમાણું વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે.

હવાથી જમીન ઉપર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ દુશ્મન દેશની સરહદમાં આવેલા આતંકી કેમ્પો સામેની કાર્યવાહીમાં પણ કરવામાં આવી શકે છે. આ મિસાઈલ અંડરગ્રાઉન્ડ પરમાણું બંકર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને સમુદ્ર ઉપરથી ઉડી રહેલા એરક્રાફ્ટને દુરથી હવામાં જ તોડી પાડવા માટે પણ સક્ષમ છે.

આપને જણાવી દઈએ કે, 12 ફેબ્રુઆરી 1998ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ અને રશિયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્રહ્મોસ મિસાઈલ વિકસાવવાનો માર્ગ સરળ થયો હતો. વિશ્વની સૌથી ખતરનાક માનવામાં આવતી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ ભારતના DRDO અને રશિયાના NPOM દ્વારા સંયુક્ત રુપે વિકસીત કરવામાં આવી છે.