ત્રિપુરામાં ભાજપની જીતમાં પડદા પાછળના કસબી સુનીલ દેવધરનો ફાળો

અગરતલાઃ ત્રિપુરામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી, પરંતુ આ વખતે રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. આ વખતે ભાજપે પોતાની જીતનો ભગવો લહેરાવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના કાર્યકર્તાઓને આપ્યો છે. ત્રિપુરામાં ભાજપની જીત પાછળ અન્ય એક વ્યક્તિનો પણ મહત્વનો ફાળો છે અને તે છે ત્રિપુરામાં ભાજપના નેતા સુનીલ દેવધર.

જન્મથી મરાઠી સુનીલ દેવધરે છેલ્લા પાંચ વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યોમાં પાર્ટીનો એવો પ્રચાર કર્યો છે કે ત્રિપુરામાં પણ ભાજપે વિરોધીઓને મ્હાત આપી દીધી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સુનીલ દેવધરને વારાણસી પણ મોકલ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ દેવધરે પૂર્વોત્તર રાજ્યોમાં લોકો સાથે સારી રીતે જોડાવા માટે તેમની ભાષા શીખી. તેમણે બૂથ સ્તર પર જઈને સારૂ કામ કરી બતાવ્યું. તેઓ મેઘાલયના ખાસી ને ગારો જનજાતિના લોકો સાથે તેમની જ રીતે વાત કરવા લાગ્યા અને સાથે જ તેમણે બાંગ્લા ભાષા પણ શીખી લીધી. આ પ્રકારે તેઓએ સ્થાનીક લોકો સાથે તેમનીજ ભાષામાં વાત કરીને પ્રભુત્વ મજબૂત બનાવ્યું. સુનીલ દેવધરે મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે બૂથ સ્તર પર મેં કામ કર્યું છે અને ત્રિપુરામાં વામ દળો, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ દળોમાંથી લોકોને બીજેપીમાં જોડવાની શરૂઆત કરી.

તેમણે જણાવ્યું કે અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહ્યા છે અને નારાજ થયેલા માર્ક્સવાદી નેતાઓને પણ પાર્ટી સાથે જોડવાની તક મળી. આમ સમય જતા ભાજપનો વ્યાપ વધતો ગયો અને પાર્ટી વધારે મજબૂત બનતી ગઈ. વિધાનસભા ચૂંટણી પહેલા વામદળો, કોંગ્રેસ અન તૃણમુલ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપ સાથે જોડાયા જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. અને પરીણામે પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો તાજ પહેર્યો.