સુમિત્રા મહાજનનો ચૂંટણી લડવાથી ઈનકાર: ભાજપના વધુ એક વરિષ્ઠ નેતાચૂંટણી જંગ માંથી બહાર

નવી દિલ્હી- લોકસભા સ્પીકર અને 8 વખત સાંસદ રહેલા સુમિત્રા મહાજને આ વખતની લોકસભા ચૂંટણી લડવાથી ઈનકાર કરી દીધો છે. મધ્યપ્રદેશના ઈન્દોરથી ટીકિટને લઈને ભાજપમાં અનિણર્યની સ્થિતિ પર સવાલો ઉઠાવતા સુમિત્રા મહાજને આ નિર્ણય લીધો છે. સુમિત્રા મહાજને એક પત્ર લખીને જણાવ્યું કે, ભાજપમાં ઈન્દોર બેઠક પર ટીકિટને લઈને અસમંજસની સ્થિતિ છે, જેથી પાર્ટીએ હજુ સુધી અહીં ઉમેદવારી જાહેરાત નથી કરી. શક્ય છે કે, પાર્ટીને નિર્ણય લેવામાં કોઈ સંકોચ થઈ રહ્યો હશે. જેથી હવે હું લોકસભા ચૂંટણી નહીં લડુ.

સુમિત્રા મહાજને એમ પણ લખ્યું કે, આ મામલે મે અગાઉ જ પાર્ટીના વરિષ્ઠો સાથે ચર્ચા કરી હતી અને મે નિર્ણય તેમના પર છોડયો હતો.

મહાજને વધુમાં લખ્યું કે, હું ભાજપને નિ:સંકોચ થઈને મુક્ત મને નિર્ણય લેવાની અપીલ કરું છું. હું જાહેર કરુ છું કે મારે હવે લોકસભાની ચૂંટણી નથી લડવી. અપેક્ષા રાખુ છું કે, પાર્ટી ઈન્દોર બેઠક પર ઉમેદવારના નામ પર જલ્દી નિર્ણય કરે, જેથી આવનારા દિવસોમાં કામ કરવામાં સરળતા રહે અને અસમંજસની સ્થિતિ સમાપ્ત થઈ જાય. તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા 75 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા નેતાઓને આ વખતે ટીકિન ન આપવાની ચર્ચાઓ વચ્ચે એવી પણ અટકળો ચાલી રહી છે કે, સુમિત્રા મહાજન પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ન ઉતરે તેમની ઉમર 75 વર્ષ છે.

ઈન્દોરની જનતા પાસેથી મળેલા પ્રેમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી મળેલા સહયોગ માટે મહાજને તેમને ધન્યવાદ પાઠવ્યા હતાં. આ સાથે સુમિત્રા મહાજન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા બાદ ભાજપની ચોથા વરિષ્ઠ નેતા હશે જે આ વખતે ચૂંટણી નહીં લડે.

ઈન્દોરમાં 30 વર્ષથી ભાજપ સત્તા પર રહ્યું છે. અત્યાર સુધીમાં થયેલી 16 લોકસભા ચૂંટણીઓમાં અહીં કોગ્રેસે માત્ર 4 વખત જીત મેળવી છે. ઈન્દોર લોકસભામાં 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

સુમિત્રા મહાજનના ચૂંટણી લડવાના ઈનકાર બાદ અહીંથી લોકસભા ટીકિટના દાવેદારોમાં કેલાશ વિજયવર્ગીય અને માલિની ગૌડનું નામ છે. પૂર્વ મંત્રી વિજયવર્ગીય હાલ બંગાળના પ્રભારી છે.