તામિલનાડુના જંગલમાં આગ લાગતાં વિદ્યાર્થીઓ ફસાયા; હવાઈ દળની મદદ લેવાઈ

ચેન્નાઈ – તામિલનાડુના થેની જિલ્લાના જંગલમાં ભયાનક આગ લાગતાં ટ્રેકિંગ પર નીકળેલા 25 જેટલા કોલેજ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. એમને ઉગારવા માટે ભારતીય હવાઈ દળના જવાનોની મદદ લેવામાં આવી છે. એમાંના 15 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોઈનું મરણ થયાના હજી સુધી સમાચાર નથી. બચાવ કામગીરી મોડી સાંજે ચાલુ હતી.

કુરાંગની હિલ સ્ટેશન વિસ્તારના જંગલમાં આગ લાગ્યા બાદ હિલ સ્ટેશન પર ટ્રેકિંગ માટે ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.

આ વિદ્યાર્થીઓ ઈરોડ અને કોઈમ્બતુરના રહેવાસીઓ છે. તેઓ કુરાંગની પહાડો પર ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે જંગલમાં લાગેલી આગમાં ફસાઈ ગયા હતા.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય હવાઈ દળને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓને બચાવવાની અને એમને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે.

તામિલનાડુના મુખ્ય પ્રધાન ઈ.કે. પલાનીસ્વામી તરફથી વિનંતી કરાયા બાદ સીતારામને હવાઈ દળને બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

સીતારામને ટ્વીટ કર્યું છે કે તામિલનાડુના થેની જિલ્લાના કુરાંગનીમાં જંગલમાં લાગેલી આગને કારણે 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. મેં હવાઈ દળને બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. સધર્ન કમાન્ડ થેનીના જિલ્લા કલેક્ટર સાથે સંપર્કમાં છે.

પોલીસો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો ફાયર એન્જિન્સ તથા એમ્બ્યૂલન્સીસ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. નજીકના ટી એસ્ટેટના કામદારો પણ વિદ્યાર્થીઓને બચાવવાના કાર્યમાં સામેલ થયા છે.

વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક સારું નથી તેથી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

કુરાંગની હિલ્સ વિસ્તાર લગભગ 12 કિલોમીટરનો છે. ત્યાંથી ટ્રેકિંગ કરીને લોકો ઓથા મારમ (સિંગર ટ્રી) પર્યટન સ્થળે જતા હોય છે.

જંગલમાં આગ લાગ્યાની ઘટનાની જાણ ફાયર વિભાગને આજે બપોરે 3 વાગ્યે કરવામાં આવી હતી. ટ્રેકિંગ પર ગયેલા વિદ્યાર્થીઓ તરફથી 108 એમ્બ્યૂલન્સ સર્વિસને કોલ આવ્યો હતો અને એને પગલે સૌ સતર્ક થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડના જવાનો પહાડો પર ચડવા માટે દોરડા, સર્ચલાઈટ્સ તથા અન્ય સાધનસામગ્રી લઈને ત્યાં પહોંચી ગયા છે.

httpss://twitter.com/nsitharaman/status/972817489238413317