ઉત્તરાખંડમાં 5.5નો ભૂકંપઃ પાટનગર દિલ્હી, આસપાસના વિસ્તારોમાં તીવ્ર આંચકાનો અનુભવ

નવી દિલ્હી – ઉત્તરાખંડમાં આજે રાતે ૮.૫૦ વાગ્યે ધરતીકંપ આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.5ની નોંધાઈ છે. ઉત્તરાખંડના ભાગો તેમજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં પણ લોકોએ ધરતીકંપના તીવ્ર આંચકાનો અનુભવ કર્યો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂકંપ થયો હતો. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 5.5ની નોંધવામાં આવી છે. ભૂકંપ જમીનથી 30 કિ.મી. ઊંડે આવ્યો હતો. ભૂકંપના તીવ્ર આંચકા ઉત્તરાખંડના અન્ય ભાગો તેમજ દિલ્હી તથા ઉત્તર ભારતના બીજા ઘણા વિસ્તારોમાં પમ લાગ્યા હતા. દેહરાદૂનમાં લોકો ભયના માર્યા પોતપોતાનાં ઘર-મકાનોમાંથી બહાર દોડી ગયા હતા.

ઉત્તરાંચલ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં દેહરાદૂન, ચંડીગઢ, પટિયાલામાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો હતો.

અગાઉ, યૂરોપીયન-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડમાં દેહરાદૂનની પૂર્વ બાજુએ 121 કિ.મી. દૂરના સ્થળે હતું.

EMSC સંસ્થાના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર અને પિપલકોટી નગર વચ્ચેના સ્થળે હોવાનું માલૂમ પડ્યું છે.

તીવ્ર આંચકાને કારણે કોઈ સ્થળે જાનહાનિ કે મિલકતને નુકસાન થયાનો હજી સુધી અહેવાલ નથી.

ટીવી અહેવાલો અનુસાર, રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં લોકોએ 10 સેકંડ સુધી ધરતીમાંથી ધ્રૂજારીનો અનુભવ કર્યો હતો.