રાજસ્થાનમાં ટ્રેક્ટર રેસ વખતે સ્ટેડિયમનો શેડ તૂટી પડતાં 300 જેટલા લોકો ઘાયલ

જયપુર – રાજસ્થાનના શ્રીગંગાનગર સ્થિત ધાનમંડી (અનાજના વિશાળ સરકારી ગોડાઉન) ખાતેના એક સ્ટેડિયમમાં આજે ટ્રેક્ટર રેસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વિશાળ ટીન શેડ તૂટી પડતાં 300 જેટલા લોકો ઘાયલ થયા છે. એમાંના 50 જણની હાલત ગંભીર છે.

બિનસત્તાવાર અહેવાલો મુજબ પાંચ જણનાં મરણ નિપજ્યા છે, પરંતુ ગંગાનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ યોગેશ યાદવનું કહેવું છે કે કોઈ જાનહાનિ થઈ નથી. 17 જણને ઈજા થઈ છે.

રેસ જોવા માટે 15,000થી વધારે લોકો એકત્ર થયા હતા. રેસ ચાલુ હતી એ વખતે હજારો લોકોનાં ભારથી શેડ તૂટી પડ્યો હતો. શેડની ઉપર ચડેલા લોકો નીચે પડ્યા હતા જ્યાં પણ હજારો લોકો એકત્ર થયા હતા.

શેડ તૂટી પડતાં દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ આ દુર્ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ રેસના આયોજન માટે સત્તાવાર પરવાનગી લેવામાં આવી નહોતી.