સાંસદોને સેલેરી ઓછી પડે છે, રાજ્યસભામાં ફરી ઉઠ્યો પગાર વધારાનો મુદ્દો

નવી દિલ્હી- સંસદ ભવનમાં ગત કેટલાક સત્રોથી સાંસદોના પગાર વધારાનો મુદ્દો ઉઠાવનારા સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર સાંસદોના પગાર વધારાનો મુદ્દો ઉઠાવ્યો છે. સંસદમાં પોતાની માગણી રજૂ કરતાં નરેશ અગ્રવાલે કહ્યું કે, સાંસદોનો પગાર તેમના સેક્રેટરીથી પણ ઓછો છે.

સંસદમાં નરેશ અગ્રવાલે કહ્યું કે, યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં કમિટિ બનાવવામાં આવી હતી. જેમાં સાંસદોનો પગાર વધારવાની ભલામણ કરવામાં આવી હતી. જેને હજી સુધી લાગુ કરવામાં આવી નથી. નરેશ અગ્રવાલે કહ્યું કે, દેશમાં જજોનો પગાર વધારવામાં આવી રહ્યો છે પણ સાંસદોનો પગાર નથી વધારવામાં આવી રહ્યો.

આપને જણાવી દઈએ કે, વર્તમાન સમયમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદોનો પગાર દર મહિને આશરે 1.40 લાખ રુપિયા જેટલો છે. જેમાં અન્ય ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેમકે. પોતાના મત વિસ્તારની મુલાકાત માટે ભાડું, ઓફિસ સ્ટેશનરી અને અન્ય દૈનિક ભથ્થાનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત સાંસદોના પગાર વધારા માટે બનાવવામાં આવેલી કમિટિએ જણાવ્યું છે કે, વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સાંસદોના પગારમાં પણ સમયાંતરે વધારો કરવો જોઈએ.

સાંસદોને હાલમાં મળી રહેલાં 1.40 લાખ પગારને બમણો એટલે કે, 2.80 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેને લાગુ કરવા નરેશ અગ્રવાલે સંસદમાં માગ કરી હતી. મળતી માહિતી મુજબ સાંસદોના પગારનો છેલ્લે વર્ષ 2010માં રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં 300 ટકાનો વધારો અને એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

સૂત્રોનું માનીએ તો, વર્ષ 1954થી અત્યાસ સુધીમાં સાંસદોના પગારનો 35 વખત રિવ્યૂ કરવામાં આવ્યો છે. વર્ષ 1954થી વર્ષ 2000 સુધીમાં બેઝિક પગારમાં 167 ટકા અને વર્ષ 2000થી 2010 વચ્ચે 1150 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાંસદોની સમસ્યા એ છે કે, તેમનો પગાર તેમના સેક્રેટરીઓથી પણ ઓછો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલનું પણ કંઈક આવું જ માનવું છે. આપને જણાવી દઈએ કે, સાતમું પગાર પંચ અમલમાં આવ્યા બાદ કેબિનેટ સેક્રેટરીનો પગાર આશરે 2.5 લાખ રુપિયા પ્રતિ મહિના થયો છે.