લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન, કોલકાતાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0
1831

કોલકાતા- લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં. તેમને કિડનીની બીમારીના કારણે કોલકાતાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા મુજબ ડાયાલિસિસ દરમિયાન સોમનાથ ચેટર્જીને હાર્ટ અટેક આવ્યો હતો.મળતી માહિતી મુજબ સોમનાથ ચેટર્જીની તબિયત છેલ્લાં કેટલાક મહિનાઓથી નાદુરસ્ત હતી. જુલાઈ મહિનામાં તેમને સ્ટ્રોક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ 40 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. અને 6 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ચેટર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

સોમનાથ ચેટર્જીએ CPM સાથે તેમની રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. વર્ષ 1968થી 2008 સુધી તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં હતા. 1971માં સોમનાથ ચેટર્જી પ્રથમ વખત સાંસદ બન્યા તેમની રાજકીય કારકિર્દી સતત આગળ વધી હતી. સોમનાથ ચેટર્જી 10 વખત લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા.