ઉત્તર પ્રદેશ, બિહારમાં લોકસભા, વિધાનસભા પેટા-ચૂંટણીઓમાં ભાજપનો આંચકાજનક પરાજય

લખનઉ/પટના – 2019ની લોકસભા ચૂંટણીમાં એક નવું વાતાવરણ પેદા કરી શકે એવા પરિણામમાં, ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકસભા અને વિધાનસભાની કુલ પાંચ બેઠકોની પેટાચૂંટણીઓમાં ચારમાં પરાજય મળ્યો છે. આ ચાર પરાજયમાં પ્રતિષ્ઠિત ગોરખપુર અને ફૂલપૂર લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.

ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના વિજેતા ઉમેદવાર પ્રવીણ કુમાર નિશાદ

આ બંને રાજ્યોમાં બિન-ભાજપ પાર્ટીઓએ હાથ મિલાવીને ભાજપને પરાજય ચખાડ્યો છે.

ભાજપે બિહારમાં અરરિયા લોકસભા બેઠક અને જેહાનાબાદ વિધાનસભા બેઠક ગુમાવી છે. માત્ર ભાભુઆ વિધાનસભા બેઠક પર એની મહિલા ઉમેદવાર રિન્કી પાંડે જીતી છે.

ફૂલપૂરમાં સમાજવાદી પાર્ટીના વિજયી ઉમેદવાર નાગેન્દ્ર સિંહ પટેલ

2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ અને ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ સામે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનના રૂપમાં નવો મજબૂત હરીફ ઊભો થયો છે.

ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ કુમાર નિશાદ 4,56,437 મત મેળવીને જીત્યા છે. એમણે એમના નિકટતમ હરીફ, ભાજપના ઉપેન્દ્ર દત્ત શુક્લાને 21,961 મતોના માર્જિનથી પરાજય આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરિતા કરીમ ત્રીજા ક્રમે આવ્યા છે.

ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતથી આનંદમાં

ગોરખપુર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું વતન છે. તેઓ આ બેઠક પરથી પાંચ વખત લોકસભામાં ચૂંટાતા હતા. 2014ની ચૂંટણીમાં તેઓ 3.13 લાક મતો મેળવીને જીત્યા હતા, પરંતુ ગયા વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનતાં એમણે આ બેઠક પરથી રાજીનામું આપવું પડ્યું હતું. યોગી આદિત્યનાથ પૂર્વે ગોરખપુર બેઠક પર એમના ગુરુ યોગી અવૈદ્યનાથ 1991 અને 1993ની ચૂંટણીમાં જીત્યા હતા.

ફૂલપૂર મતવિસ્તારમાં એક સમયે પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ જીત્યા હતા. આ વખતે અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલે ભાજપના કૌશલેન્દ્ર સિંહને 59,613 મતોના માર્જિનથી પરાજય આપ્યો છે.

લખનઉમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ સિંહ યાદવ

2014ની લોકસભા ચૂંટણીમાં ફૂલપૂર બેઠક પરથી ભાજપના કેશવ પ્રસાદ મૌર્યા જીત્યા હતા, જે હાલ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન છે. તેઓ પણ વિધાનસભામાં ગયા એટલે લોકસભાની બેઠક છોડવી પડી હતી.

પડોશના બિહારમાં, રાષ્ટ્રીય જનતા દળે અરરિયા લોકસભા બેઠક જીતીને ભાજપને આંચકો આપ્યો છે. આ બેઠક પર આરજેડીના ઉમેદવાર સરફરાઝ આલમે ભાજપના પ્રદીપ કુમાર સિંહને 60 હજારથી વધુ મતોના માર્જિનથી પરાજય આપ્યો છે.

બિહારમાં, જેહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડીના સુદય યાદવે જનતા દળ (યૂનાઈટેડ)ના ઉમેદવાર અભિરામ શર્મા હરાવ્યા.