શિર્ડી સાઈબાબા મંદિર સંસ્થા મહારાષ્ટ્ર સરકારને 500 કરોડની લોન આપશે

મુંબઈ – મહારાષ્ટ્રના એહમદનગરમાં આવેલા શિર્ડી યાત્રાધામના સાઈ મંદિરનું સંચાલન કરતી સંસ્થા શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ એક ડેમ માટે નહેરોનું નેટવર્ક બાંધવા મહારાષ્ટ્ર સરકારને રૂ. 500 કરોડનું ધિરાણ આપશે.

નિલવંડે ડેમ (નિલવંડે સિંચાઈ યોજના) પૂરી કરવા માટે મંદિર સંસ્થા સરકારને લોન આપશે.

નિલવંડે ડેમ એહમદનગર જિલ્લામાં પ્રવરા નદી પર આવેલો છે. આ કેનાલ નેટવર્ક બંધાઈ ગયા બાદ એહમદનગર જિલ્લા અને નાશિક જિલ્લાના મળીને કુલ 182 ગામોને સિંચાઈનાં પાણીનો લાભ મળશે.

મંદિર સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની કંપની ગોદાવરી-મરાઠવાડા ઈરિગેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે આ સંદર્ભમાં સમજૂતી પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

મંદિર ટ્રસ્ટ આ પ્રોજેક્ટ માટે રૂ. 500 કરોડ આપશે, પણ એની પર વ્યાજ નહીં લગાડે.

આ ધિરાણની ચૂકવણી માટે કેટલો સમય નક્કી કરાયો છે એ આ અધિકારીએ કહ્યું નથી. એમણે કહ્યું કે ટ્રસ્ટ સામાજિક કાર્યો માટે નિયમિત રીતે નાણાકીય સહાય કરતું હોય છે. નિલવંડે ડેમ બાંધવા માટે પણ સંસ્થાએ મોટી રકમની સહાયતા કરી હતી.

નિલવંડે ડેમમાં પાણીનો સંગ્રહ થવાનું શરૂ થયું છે, પણ આ પાણી સિંચાઈ તથા પીવાના હેતુ માટે પહોંચતું થાય એ માટે નહેરો બાંધવાની જરૂર છે.

નિલવંડે ડેમ બાંધવા માટે મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી કૃષિ સંજીવની યોજના અંતર્ગત રૂ. 2,232 કરોડનું ભંડોળ મળ્યું હતું.

શિર્ડીના મંદિર ટ્રસ્ટે ભૂતકાળમાં શિર્ડીમાં એરપોર્ટ બાંધવા માટે મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપનીને રૂ. 50 કરોડની સહાયતા કરી હતી. એરપોર્ટ બાંધવા માટે કુલ ખર્ચ રૂ. 350 કરોડ થયો હતો. આ એરપોર્ટ કાકડી ગામ નજીક બાંધવામાં આવ્યું છે અને ત્યાંથી વિમાન સેવા શરૂ થઈ ગઈ છે.