આગરા-લખનઉ એક્સપ્રેસવે પર સર્વિસ રોડ જમીનમાં ધસી પડતાં કાર નીચે પડી

આગરા – આજે આગરા-લખનઉ એક્સપ્રેસવે પર એક આંચકાજનક, અજબની ઘટના બની હતી. એક્સપ્રેસવેની બાજુમાં આવેલો સર્વિસ રોડ ભારે વરસાદને કારણે અચાનક જમીનમાં ધસી પડ્યો હતો. એને લીધે સર્વિસ રોડ પરની એક કાર નીચે પડી હતી, પરંતુ સદ્દભાગ્યે કારની અંદર બેઠેલા ચારેય જણ બચી જવા પામ્યા હતા.

આ ઘટના આગરા શહેરથી આશરે 16 કિ.મી. દૂરના અંતરે અને સવારે લગભગ 6 વાગ્યે બની હતી. એસયૂવી કાર 15 ફૂટ નીચે પડી હતી.

કારમાં પ્રવાસ કરી રહેલી ચારેય વ્યક્તિનાં નસીબ એવા બળવાન હતા કે તેઓ જરાય ઈજા પામ્યા વગર બચી ગયા હતા. એ લોકો મુંબઈથી કનૌજ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એમણે મુંબઈમાંથી નવી કાર ખરીદી હતી અને ગૂગલ મેપના સહારે કનૌજ તરફ જઈ રહ્યા હતા.

રચિત કુમાર નામના ડ્રાઈવરે કહ્યું કે અમારી આગળનો રોડ જમીનમાં ધસી પડેલો જોયો કે તરત જ મેં મારી કારની બ્રેક મારી હતી, પરંતુ અમારી કાર સરકીને નીચે પડી ગઈ હતી.

302 કિ.મી. લાંબો એક્સપ્રેસવે રૂ. 15,000 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. એને 23 મહિનાના રેકોર્ડ સમયમાં પૂરો કરવામાં આવ્યો હતો અને 2016માં એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.