રામરહીમ દોષિત ઠર્યો, પત્રકાર રામચંદ્ર હત્યાકેસમાં પંચકૂલા કોર્ટનો ચૂકાદો

પંચકુલા- હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ ચૂકાદો આપી દીધો છે. આ મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમ મુખ્ય આરોપી છે તેને કોર્ટે દોષિત ઠરાવ્યો છે. 17 જાન્યુઆરીએ રામરહીમને સજા સંભળાવવામાં આવશે.આ કેસમાં રામરહીમ સહિત તમામ ચાર આરોપીઓને દોષિત ઠરાવાયાં છે.

મહત્વનું છે કે, અગાઉ યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવ્યા બાદ ભારે હિંસા ભડકી હતી, જેને જોતા આ વખતે પ્રશાસન દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરમીત રામરહીમને સુરક્ષાના કારણોસર વિડીયો કોન્ફરન્સિંગથી હાજર રખાયો હતો. આજે સુનાવણી પહેલા પંચકૂલામાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટ પરિસર અને તેની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.

પંચકૂલામાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટની સુરક્ષા અંગે જાણકારી આપતા કમલદીપ ગોયલે કહ્યું કે, મોટી સંખ્યામાં પોલીસદલ તેમજ સેનાના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યાં છે. કોર્ટ પરિસરમાં 500 જેટલા પોલીસકર્મીઓને તહેનાત કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, પત્રકાર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ ડેરા પ્રમુખને વિડિયો કોન્ફરન્સ મારફતે સજા સંભળાવી હતી.

ગુરમીતને જે જેલમાં રાખવામાં આવ્યો છે તેની આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 500 પોલીસકર્મીઓ સાથે ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પંજાબ અને હરિયાણામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રામ રહીમ સિવાયના અન્ય આરોપીઓને પ્રત્યક્ષ રૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, ગુરમીત હાલ રોહતકની સુનારિયા જેલામાં સજા ભોગવી રહ્યો છે.