રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદોઃ તમામ આરોપો નકાર્યા

નવી દિલ્હી- રાફેલ ડીલમાં કૌભાંડને લઈને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ મોદી સરકારની આકરી ટીકા કરી હતી, પણ આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમને રાફેલ ડીલમાં કોઈ જ અનિયમિતતા દેખાઈ નથી. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ એ દેશની જરૂરિયાત છે, અને તેની સાથે સંકળાયેલ તમામ ફરિયાદોને ફગાવી દીધી છે.શુક્રવારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની બેન્ચે રાફેલ ડીલ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકારને રાફેલ ડીલ મુદ્દે ઘેરવાનું મન બનાવીને બેઠેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઝાટકો લાગ્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈની બેન્ચે શુ કહ્યું… આવો જાણીએઅત્રે નોંધનીય છે કે કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે યુપીએની સરખામણીએ ત્રણ ગણી વધુ કીમત ચુકવીને રાફેલ વિમાનનો સોદો કર્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાફેલ લડાકુ વિમાનની કીમત પર નિર્ણય લેવાનું કામ કોર્ટનું નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારે ફ્રાન્સથી 36 રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાતું જ નથી.

રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અને વિપક્ષનો એવો આરોપ હતો કે યુપીએ દરમિયાન 126 ફાઈટર જેટ ખરીદવાનો સોદો થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે હવે મોદી સરકાર માત્ર 36 ફાઈટર જેટ ખરીદી રહી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે સરકારને 126 કે 36 વિમાન ખરીદવા માટે કહી ન શકે.

સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને માન્ય રાખીને જણાવ્યું છે કે ભારતીય વાયુસેનામાં રાફેલની જેમ ચોથી અને પાંચમી પેઢીના લડાકુ વિમાનોને સામેલ કરવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે  કે લડાકુ વિમાનોની જરૂરિયાત છે, અન  દેશ લડાકુ વિમાનો વગર રહી નહી શકે. સુપ્રીમ કોર્ટે એક મુદ્દો એ પણ નોંધ્યો છે કે સપ્ટેમ્બર 2016માં જ્યારે રાફેલ સોદાને અંતિમ રૂપ આપવામાં આવ્યું ત્યારે તેની ખરીદી પર કોઈ સવાલ ઉભો કરવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટેમાં ચીફ જસ્ટીસની બેન્ચે કહ્યું છે કે રાફેલ ડીલ પર સવાલ ત્યારે ઉભો થયો કે જ્યારે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદે નિવેદન આપ્યું હતું કે આ ન્યાયિક સમીક્ષાનો આધાર માની ન શકાય. કોર્ટે કહ્યું કે રાફેલ સોદામાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર સંદેહ કરવાનો કોઈ જગ્યા નથી.