વ્યભિચાર કાયદા પર ‘સુપ્રીમ’ ચુકાદો: લગ્નેત્તર સંબંધ અપરાધ નથી

નવી દિલ્હી- મહિલા અને પુરુષ વચ્ચેના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી IPCની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે આજે આ અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સર્વસંમતિથી એક મતે આ ચુકાદો સંભળાવ્યો હતો.ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ બેન્ચે જણાવ્યું હતું કે, કોઈપણ રીતે મહિલાઓ સાથે અપમાનજનક વ્યવહાર કરી શકાય નહીં. આપણા લોકતંત્રની ખાસિયત છે ‘તમે, હું અને આપણે’. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમનો અને જસ્ટિસ એમ. ખાનવિલકરનો ચુકાદો સંભળાવ્યો. ત્યારબાદ બેન્ચના અન્ય ત્રણ જજ જસ્ટિસ નરીમન, જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દૂ મલ્હોત્રાએ પણ આ ચુકાદા અંગે તેમની સહમતી વ્યક્ત કરી હતી.

મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે, IPCની કલમ સેક્શન 497 મહિલાઓના સમ્માનની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ. મહિલાઓને સમાજની ઈચ્છા મુજબ વિચારવા કહી શકાય નહીં. સંસદમાં પણ મહિલાઓ માટે ઘરેલૂ હિંસા પર કાયદો બનાવવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, પતિ ક્યારેય પત્નીનો માલિક હોય શકે નહીં.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, એડલ્ટરી કોઈ પ્રકારનો અપરાધ નથી. પરંતુ તેના કારણે જો પાર્ટનર આત્મહત્યા કરે છે તો તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાની ઘટના માનવામાં આવી શકે છે. ત્યારબાદ બેન્ચના તમામ પાંચ જજોએ સર્વાનુમતે આ કાયદાને અસંવૈધાનિક ગણાવ્યો હતો.