SC/ST એક્ટ: 5 વર્ષમાં નોંધાયા 2 લાખ કેસ, 25 ટકામાં જ ગુનો સાબિત થયો

નવી દિલ્હી- દેશભરમાં દલિત આંદોલન તેની ચરમ સીમા પર ચાલી રહ્યું છે. SC/ST કાયદામાં બદલાવના વિરોધમાં ગત સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, આ દરમિયાન થયેલી હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને દેશની કરોડો રુપિયાની સંપત્તિ બરબાદ થઈ હતી. જોકે આ કાયદા અંતર્ગત નોંધવામાં આવેલા કેસ અને તેમાં થયેલી સજા સુપ્રીમ કોર્ટના ચુકાદાને યોગ્ય સાબિત કરે છે.દેશમાં ગત પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો, દલિતો વિરુદ્ધ અપરાધના આશરે 2 લાખ જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી 25 ટકા કેસમાં જ આરોપ સાબિત થયા હતા. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2012થી 2016માં અનુસૂચિત જાતિઓ સામે અપરાધના 32353 કેસ નોંધાયા હતા જેમાંથી આશરે 20 ટકા કેસમાં જ આરોપ સાબિત થઈ શક્યા હતા.

ઉપરોક્ત માહિતી લોકસભામાં ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે એક પ્રશ્નના જવાબમાં આપી હતી. ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે વિગતવાર જણાવ્યું કે, વર્ષ 2012, 2013, 2014, 2015 અને 2016માં એમ કુલ પાંચ વર્ષમાં દલિતો સામે અપરાધના 1 લાખ 92 હજાર 577 કેસ નોંધાયા હતા. જેમાંથી 70 ટકા કેસમાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા હતા. અને લગભગ 25 ટકા કેસમાં આરોપ સાબિત થયા હતા.

ગૃહ રાજ્યપ્રધાનના જણાવ્યા મુજબ આ સમયગાળામાં અનુસૂચિત જાતિઓ સામે અપરાધના 32 હજાર 353 મામલા નોંધાયા હતા. જેમાંથી આશરે 75 ટકા કેસમાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા હતા અને 20 ટકાથી થોડા વધારે કેસમાં આરોપી દોષી પુરવાર થયા હતા.