‘હું ભારતીય છું અને હંમેશાં ભારતીય જ રહીશ’: સાનિયાનો જડબાતોડ જવાબ

0
2345

હૈદરાબાદ – ભારતની ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથેના લગ્નની આઠમી તિથિ ઊજવી રહી છે. મેરેજ એનિવર્સિરી નિમિત્તે આ બંને જણ પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે. પરંતુ એક જણના ટ્વીટને કારણે સાનિયા ઉશ્કેરાઈ ગઈ છે અને એણે તે ટ્વિટર યૂઝરને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ ટ્વિટર યૂઝરે સાનિયાને ઉદ્દેશીને એવું બેહુદું વાક્ય લખ્યું છે કે, તું પાકિસ્તાની પુરુષને પરણી હોવાથી હવે ભારતીય રહી નથી.

સાનિયાએ વળતું ટ્વીટ કરીને પેલાને જવાબ આપ્યો છે કે હું ભારતીય છું અને હંમેશાં ભારતીય જ રહીશ.

વાસ્તવમાં, સાનિયાએ જમ્મુ-કશ્મીરના હરિનગર જિલ્લામાં આઠ વર્ષની એક બાળકી પર બળાત્કાર ગૂજારાયા બાદ એની હત્યા કરાયાની ઘટના અંગે પોતાનાં ટ્વિટર હેન્ડલ પર પોતાની વ્યથા વ્યક્ત કરી એને પગલે એક ટ્વિટર યૂઝરે સાનિયાની ટીકા કરી હતી.

સાનિયાએ બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, શું ખરેખર આ રીતે આપણે આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરવું છે? જો આપણે આપણી જાતિ કે ધર્મ કે રંગના ભેદને કારણે 8-વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ન ઉઠાવી શકીએ તો પછી આપણે આ દુનિયામાં કોઈને માટે અવાજ ઉઠાવી શકીશું નહીં, માનવતાને માટે પણ નહીં.

સાનિયાનાં આ ટ્વીટના જવાબમાં કિચુ કન્નન નમો, જે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મિડિયા કોઓર્ડિનેટર છે, એમણે લખ્યું કે, મેડમ તમને એ પૂછવાનું કે તમે કયા દેશ વિશે વાત કરી રહ્યાં છો. મારી જાણ મુજબ તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યાં છે. તેથી તમે હવે ભારતીય રહ્યાં નથી.

એ ટ્વિટર યૂઝરની ઝાટકણી કાઢતાં સાનિયાએ લખ્યું છે કે, પહેલાં તો એ જણાવી દઉં કે કોઈપણ વ્યક્તિ કોઈ સ્થળમાં લગ્ન કરતી નથી. તમે એક વ્યક્તિ સાથે લગ્ન કરો છો. બીજું કે, તમારી જેવા સંકુચિત મનવાળા શું મને કહેશે કે હું કયા દેશની છું. હું ભારત વતી રમું છું, હું ભારતીય છું અને હંમેશાં ભારતીય રહીશ. અને જો તમે ધર્મ અને દેશને અલગ રાખીને વિચારનારા હો તો એક દિવસ તમારે પણ માનવતાની પડખે ઊભાં રહેવું પડશે.