કાલે ભારત આવશે પુતિન, S-400 મિસાઈલ ડીલ પર કરારની શક્યતા

નવી દિલ્હી- રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આવતીકાલે 4 ઓક્ટોબરથી બે દિવસની ભારત યાત્રાએ રાજધાની દિલ્હી આવી રહ્યા છે. આ દરમિયાન રશિયા સાથે S-400 મિસાઈલ ડીલ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.પુતિનની ભારત યાત્રા દરમિયાન આ સપ્તાહે પાંચ અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. પુતિનના ટોચના વિદેશી નીતિના સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે, ‘પ્રેસિડેન્ટ પુતિન 4 ઓક્ટોબરે ભારત આવવા રવાના થશે’.

યુરી ઉશાકોવે જણાવ્યું કે, પુતિનના ભારત પ્રવાસની મુખ્ય વિશેષતા S-400 વાયુ રક્ષાપ્રણાલિનો પુરવઠો પુરો પાડવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવાનો છે. આ કરાર પાંચ અબજ ડોલરથી વધુનો છે. ઉલ્લેખનીય છે કે, લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરનારી S-400 મિસાઈલના કરાર માટે મોસ્કો છેલ્લા ઘણા મહિનાઓથી ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, S-400 મિસાઈલમાં અમેરિકાના સૌથી આધુનિક ફાઈટર જેટ એફ-35ને પણ તોડી પાડવાની ક્ષમતા છે. ભારતના કટ્ટર પ્રતિદ્વંદ્વી ચીને પણ રશિયા પાસેથી આ ડિફેન્ટ સિસ્ટમ ખરીદી હતી. હાલમાં ચીનની સેના તેનો ઉપયોગ કરી રહી છે.