93 વર્ષના ઇતિહાસમાં RSS સંગઠને ત્રણ વખત પ્રતિબંધનો સામનો કર્યો

નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) તેના 93 વર્ષના ઇતિહાસમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જો કે, એક સમય એવો પણ હતો જ્યારે સરકારે આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. RSSને એકવાર નહીં પણ ત્રણ-ત્રણ વખત પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. જોકે, તેમ છતાં આ સંગઠનનું મનોબળ તૂટવાને બદલે વધુ મજબૂત થયું છે. તેમણે સતત પોતાની જાતને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે. અને સંવાદ દ્વારા લોકોને સાથે જોડવાનું ચાલુ રાખ્યું છે. અને એજ કારણ છે કે. આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિશ્વમાં સૌથી મોટું સ્વયંસેવી સંગઠન છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉક્ટર કેશવ બલીરામ હેડગેરવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે 27 સપ્ટેમ્બર 1925 વિજયાદશમીના દિવસે RSSની સ્થાપના કરવામાં આવી હતી. જોકે આઝાદીનું એક વર્ષ પણ વિત્યું નહતું અને RSSને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગાંધીજીની હત્યાને RSS સાથે જોડવામાં આવી હતી. RSSના દ્વિતિય સરસંઘચાલક ગુરુ ગોલવલકરની ધરપકડ કરવામાં આવી. અને 18 મહિના સુધી RSS પર પ્રતિબંધ લાગુ રહ્યો.

11મી જૂલાઈ 1949ના રોજ દેશના તત્કાલિન ગૃહપ્રધાન સરદાર પટેલની શરતો RSSના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરે માન્ય રાખી અને RSS પરના પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો હતો. શરત હતી કે, RSS તેનું બંધારણ બનાવે અને તેમાં લોકશાહી રીતે ચૂંટણી કરવામાં આવે અને સંગઠન રાજકીય પ્રવૃત્તિઓથી સદંતર દૂર રહેશે. અને ફક્ત સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરશે.

ઈન્દિરા ગાંધીની સરકારમાં કટોકટી દરમિયાન RSSને બીજી વખત પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. 1975માં જ્યારે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરી ત્યારે સંઘે તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં સ્વયંસેવકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. RSS પર બે વર્ષ પ્રતિબંધ લાગુ રહ્યો. કટોકટી બાદ જ્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય થયો. 1977માં જનતા પાર્ટી સત્તામાં આવી અને સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

સંઘ પર ત્રીજી વખત પ્રતિબંધ વર્ષ 1992માં મુકવામાં આવ્યો. આ વખતે સંઘ પર પ્રતિબંધનું કારણ અયોધ્યાના વિવાદાસ્પદ બાબરી ઢાંચાને તોડવામાં RSSની ભૂમિકા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સંગઠનને 6 મહિના સુધી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.