એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ભ્રષ્ટાચારને લગતા એક કેસમાં રોબર્ટ વાડ્રાની છ કલાક સુધી પૂછપરછ કરી

નવી દિલ્હી – વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિ ખરીદવાના એક કેસમાં મની લોન્ડરિંગના મામલે ચાલી રહેલી કેન્દ્રીય સ્તરની તપાસના ભાગરૂપે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના બનેવી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની આજે કાર્યાલયમાં છ કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઈડી ઓફિસમાં હાજર થઈને તપાસને લગતા સવાલોના જવાબ આપવાનો દિલ્હીની એક કોર્ટે આપેલા આદેશને પગલે વાડ્રા આજે હાજર થયા હતા.

વાડ્રા પર આરોપ છે કે એમણે લંડનમાં અમુક રિયલ એસ્ટેટ સંપત્તિની ગેરકાયદેસર રીતે ખરીદી કરી છે.

એમનાં નિવેદનોને ઈડી એજન્સીના અધિકારીઓએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રેકોર્ડ કર્યા હોવાનું મનાય છે.

વાડ્રા લંડનમાં હતા અને કોર્ટે એમને માટે આદેશ જારી કર્યો હતો કે એ લંડનથી દિલ્હી પાછા ફરે ત્યારે ઈડી એજન્સીના તપાસનીશ અધિકારીઓ સમક્ષ હાજર થવું.

વાડ્રાને એમના પત્ની અને કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પોતાની ટોયોટા લેન્ડક્રૂઝર કારમાં ઈડીનાં કાર્યાલયની બહાર મૂકી ગયાં હતાં. ઈડીની ઓફિસ જામનગર હાઉસમાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં જમીન કૌભાંડને લગતા એક કેસમાં રોબર્ટ વાડ્રા હાલ જામીન પર છૂટ્યા છે.

પ્રિયંકા બાદમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય ખાતે ગયાં હતાં. ત્યાં પત્રકારોએ એમને પૂછ્યું હતું કે તમે તમારાં પતિને ઈડી ઓફિસમાં મૂકવા જઈને કોઈ પ્રકારનો સંદેશ વહેતો કરવા માગો છો? ત્યારે પ્રિયંકાએ જવાબમાં કહ્યું હતું કે એ મારાં પતિ છે, એ મારો પરિવાર છે… હું તો મારાં પરિવારની પડખે જ રહુંને.

કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનાં જમાઈ રોબર્ટ વાડ્રા આ પહેલી જ વાર ઈડીની ઓફિસમાં હાજર થયા હતા. એ બપોરે લગભગ પોણા ચાર વાગ્યે હાજર થયા ત્યારે એમની સાથે એમના વકીલોની એક ટીમ પણ હતી. એમણે હાજરી માટેના રજિસ્ટર પર સહી કરી હતી અને ત્યારબાદ એમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પોતે કોઈ ગેરકાયદેસર વિદેશી સંપત્તિના માલિક હોવાનાં આરોપોને વાડ્રાએ રદિયો આપ્યો છે અને આ આરોપોને પોતાની વિરુદ્ધ રાજકીય કિન્નાખોરી તરીકે ઓળખાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે વાડ્રાએ કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ શાસન વખતે કરવામાં આવેલા પેટ્રોલિયમ તથા સંરક્ષણને લગતા સોદાઓમાં કટકી લીધી હતી.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વાડ્રાએ કટકીનાં એ રૂપિયાથી લંડનમાં 8-0 પ્રોપર્ટી ખરીદી હતી. પેટ્રોલિયમ તથા સંરક્ષણના એ સોદાઓ 2008-09માં કરવામાં આવ્યા હતા જ્યારે યુપીએ સરકાર સત્તા પર હતી.

પાત્રાએ જોકે પોતાના દાવાને ટેકો આપે એ માટે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.

ઈડી અધિકારીઓએ વાડ્રાને આ વિશે સવાલો પૂછ્યા હતાઃ

– લંડનમાં પ્રોપર્ટી

– સંજય ભંડારી સાથે તમારે શું સંબંધ છે

– લંડનમાં બે બંગલા અને છ ફ્લેટના માલિક કોણ છે

– સંજય ભંડારીએ લંડનમાં બે ફ્લેટ ખરીદ્યા હતા અને પછી એ જ ભાવે વેચી નાખ્યા હતા. એ રકમ તમારા એકાઉન્ટમાં કેમ જમા કરાવાઈ હતી?

– શું મનોજ અરોરાએ આ ફ્લેટ માટે ભંડારીના સહયોગીને ઈમેલ કર્યો હતો?

– મનોજ અરોરાનું કામકાજ શું છે?

– મનોજ અરોરાએ લંડનમાં પ્રોપર્ટી ખરીદવા માટે આટલા બધા કરોડો રૂપિયા ક્યાંથી મેળવ્યા હતા?

– તમે થામ્પીને ક્યારથી ઓળખો છો અને તમારી કંપનીઓ સાથે એનો સંબંધ શું છે? થામ્પીની કંપનીના શેર કયા સોદા હેઠળ તમારી કંપનીને ટ્રાન્સફર કરાયા હતા?